જેનાબાદના આબિદ હુસેન હાલ ૪૭ યુવાનોને મફતમાં મિલિટરીની તાલીમ આપે છે

(મુસા મારૂ) 

અમદાવાદ,તા.૧૮
મુસ્લિમોની દેશભક્તિ પર ગમે તેટલી શંકા કરવામાં આવે કે તેમની પર કિચડ ઉછાળવામાં આવે, પરંતુ મુસ્લિમો આ દેશના હતા, આ દેશના છે અને આ દેશના રહેશે. અને તેઓ હંમેશા દેશની શાંતિ-સલામતી, પ્રગતિ, કોમી એકતા અને ભાઇચારા અંગે જ વિચારતા રહે છે. તેથી મુસ્લિમોને કોઈના સર્ટીફીકેટની જરૂર નથી. દેશને ખાતર તેઓ પોતાની જાન આપવા પણ તૈયાર થઈ જાય છે. ઉપરાંત કેટલાક વિરલા તો એવા છે કે જેઓ સપનામાં પણ દેશની જ પ્રગતિ વિશે વિચારતા હોય છે. આવા જ એક નિસ્વાર્થ મુસ્લિમ દેશપ્રેમી ફૌજી જવાનનું નામ છે, આબિદહુસેન નસરૂદ્દીન ભાઈ કુરેશી પાટડી તાલુકાના જેનાબાદના ૩૭ વર્ષના નિવૃત્ત જવાન આબિદહુસેન કુરેશી હાલ નિવૃત્તિ બાદ યુવાનોને મફતમાં મિલિટરીની તાલીમ આપી રહ્યા છે.
પાટડી તાલુકાનું જેનાબાદ ગામ એ સામાન્ય ગામ નથી, આ ગામને દેશના જવાનોનુ ગામ કહીએ તો ખોટું નથી, કારણ કે આ ગામના ૭૦થી વધુ યુવાનો હાલ પોલીસ, એસ.આર.પી કે ભારતીય લશ્કરમાં સેવા આપી રહ્યા છે. આજ ગામના જાંબાઝ આબિદભાઈ કુરેશીએ પણ સતત ૧૭ વર્ષ સુધી લશ્કરમાં રહી દેશસેવા કરી હતી. હવે નિવૃત્તિ બાદ પણ દેશની સેવા કરવાનું બીડું ઝડપ્યું છે. નિવૃત્તિ બાદ ઘરે બેસી રહેવાને બદલે કે અન્ય નોકરી કરવાને બદલે યુવાનોને લશ્કરી તાલીમ આપવાનું નક્કી કર્યું હતું. જે અંગે તેમણે યુવાનો સમક્ષ તેમનો વિચાર રજૂ કર્યો હતો. જેને યુવાનોએ વધાવી લઇ પોલીસ અને લશ્કરમાં જોડાવા માંગતા યુવાનોને બોલાવી તાલીમ આપવાની શરૂઆત કરી હતી. ચાલુ વર્ષના માર્ચ મહિનામાં નિવૃત્ત થયા બાદ શરૂ કરેલી મિલિટરી ટ્રેનિંગ યુવાનોએ એવી વધાવી લીધી કે હાલ જેનાબાદ ઉપરાંત દસાડા, મુલાડા સહિત આસપાસના ગામના ૪૭થી વધુ યુવાનો રોજ સવારે અને સાંજે દોઢ-દોઢ કલાક દોડ, રસ્સા ચઢ, દંડ બેઠક, પુશ-અપ્સ સહિતની મિલિટરીની આકરી તાલીમ મેળવી રહ્યા છે. તાલીમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. તાલીમ બાદ થાકેલા યુવાનોને હળવાફૂલ કરવા વોલીબોલ સહિતની રમતો પણ રમાડવામાં આવે છે.
આ અંગે નિવૃત ફૌજી જવાન આબિદહુસેન કુરેશીએ જણાવ્યું હતું કે હું ૨૮ માર્ચ ૨૦૦૩ના રોજ લશ્કરમાં જોડાયો હતો. ત્યારબાદ હિમાલયના ધર્મશાલા, લેહ- લદ્દાખ, આસામ અને પૂનામાં ફરજ બજાવી હતી. આ દરમિયાન કોલ્હાપુરના સિલ્કીમાં આવેલા ભારે પૂરના કારણે બચાવ કામગીરી કરવા અમને મોકલવામાં આવ્યા હતા. જ્યાં અમે જીવના જોખમે ૭ હજારથી વધુ લોકોનું સલામત સ્થળાંતર કરાવ્યું હતું. આથી ગ્રામજનો સહિત અનેક લોકોએ ખૂબ ખુશ થઈ અમારું સન્માન કર્યું હતું. માઇનસ ડિગ્રી લોહી થીજવતી ઠંડી, ચામડી દઝાડતી ગરમી કે સતત વરસાદ અને બરફ વર્ષાની પરવા કર્યા વિના સતત ૧૭ વર્ષ દેશસેવામાં વિતાવ્યા બાદ ૨૮ માર્ચ ૨૦૨૦ના રોજ આબિદહુસૈન નિવૃત્ત થયા હતા. જો કે નિવૃત્તિ બાદ ઘરે બેસી રહેવાને બદલે તેઓ યુવાનોને આકરી લશ્કરી તાલીમ આપવાનું શરૂ કરી દેશની સેવા કરવા પોલીસ અથવા લશ્કરમાં જોડાવાનો જુસ્સો ભરી રહ્યા છે. તેમનો એકજ ધ્યેય છે, કે જો મારી મહેનતને કારણે એક પણ યુવાન લશ્કરમાં જોડાઈ દેશ સેવા કરશે તો મારી મહેનત સફળ થઇ ગણાશે જેનો મને ગર્વ થશે.