(એજન્સી) તા.૨૪
પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની રહી ચૂકેલાં સલીમ મલીકે જે અગાઉ મેચ ફિક્સિંગના આરોપો હેઠળ દોષિત ઠરતાં આજીવન બેનનો સામનો કરી રહ્યાં છે તેમણે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી) અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(આઈસીસી)ને અપીલ કરી હતી કે, તેમની સામેનો આજીવન પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે.
૫૭ વર્ષીય સલીમ મલીક ૨૦૦૦ની સાલમાં ક્રિકેટ મેચફિક્સિંગમાં સંડોવાયો હતો. તેના કારણે આખી પાકિસ્તાની ક્રિકેટ જગત હચમચી ગયું હતું. ૧૯૯૫ દરમિયાન પાકિસ્તાનના પ્રવાસ વખતે ઓસ્ટ્રેલિયાના શેન વૉર્ન, માર્ક વૉ અને ટીમ મેએ સલીમ સામે ખરાબ પ્રદર્શન કરવા લાંચ આપવાની ઓફર કરવાનો આરોપ મૂક્યો હતો.
જો કે, ૨૦૦૮માં પાકિસ્તાની કોર્ટે સલીમ સામેનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો પરંતુ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ તથા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ પ્રતિબંધ પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. જો કે હવે મલિક પાકિસ્તાની ક્રિકેટ ટીમના કોચ બનવા માગે છે અને તેણે દલીલ કરી છે કે, હું પણ સેકન્ડ ચાન્સને લાયક છું.
હું પણ હવે દેશની સેવા કરવા માગુ છું અને કોચ તરીકે પાકિસ્તાની ટીમ સાથે જોડાવા માગુ છું. એક વીડિયો મેસેજમાં તેમણે આ ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, તેમની સાથે પૂર્વ ફાસ્ટર બોલર અતા ઉર રહેમાન સામે પણ આજીવન બેન મૂકવામાં આવ્યો હતો અને અન્ય છ ક્રિકેટરોને દંડિત કરાયા હતા.