(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૨૧
અમદાવાદ જિલ્લાનાં ધોળકા શહેર અને તાલુકામાં કોરોનાનાં કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે.જેને ગંભીરતાથી લઈને રાજ્યનાં શિક્ષણમંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં અધ્યક્ષસ્થાને ધોળકા નવા સર્કિટ હાઉસ ખાતે આજે તાત્કાલિક એક મિટિંગ બોલાવવામાં આવી હતી.જેમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ ભરતભાઇ પટેલ, ધોળકા શહેર ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, ધોળકાના પ્રાંત અધિકારી આર.એમ.જાલનધરા, ડીવાયએસપી રીના રાઠવા, ટાઉન પીઆઇ એલ.બી.તડવી ઉપરાંત ગામના આગેવાનો અને બજાર તથા ક્લીકુંડ વેપારી એસોસિએશનના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોળકામાં કોરોનાનું સંક્રમણ ના વધે અને લોકોનાં ધંધા રોજગાર પણ ચાલુ રહે તે માટે શું કરવું જોઈએ તેના સૂચનો માંગ્યા હતા.જેના જવાબમાં વેપારી આગેવાનોએ ધોળકામાં સવારના ૮ થી સાંજના ૪ વાગ્યા સુધી જ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખવા સંમતિ આપી હતી. આ મિટિંગમાં વેપારી આગેવાનોએ એવો નિર્ણય લીધો હતો કે ધોળકામાં તા.૨૨ નવેમ્બર થી તા.૩૦ નવેમ્બર સુધી એક અઠવાડિયા સુધી સવારના ૮ થી સાંજના ૪ વાગ્યા સુધી જ તમામ દુકાનો, લારી ગલ્લા, હોટલો સહિતના તમામ ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે. જ્યારે આ મિટિંગમાં એવો પણ નિર્ણય લેવાયો હતો કે તા.૨૨ અને તા.૨૩ નવેમ્બર એટલે કે રવિવાર અને સોમવારે ધોળકામાં ખાણી- પીણીની તમામ દુકાનો, હોટલો, લારીઓ અને પાનનાં ગલ્લાઓ સળગ બે દિવસ બંધ રાખવાના છે.આ મિટિંગમાં ધોળકા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.મુનિરાબેન માસ્ટર અને ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે.કટારા ખાસ હાજર રહ્યા હતા.
આજે અને કાલે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો ધોળકામાં કોરોનાને નાથવા એક સપ્તાહ સુધી બજારો સવારના ૮થી સાંજના ૪ સુધી ખુલ્લા રહેશે

Recent Comments