(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
શહેરના ઈસનપુર વિસ્તારમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર જ આરોપીએ છરીથી હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ પોલીસને કહ્યું હતુ કે ‘આજે બે લોકોને છરી મારી છે આજે પોલીસને પણ નહીં છોડું’ કહીને પોલીસ ઉપર કરેલા હુમલામાં એક પોલીસકર્મીને છરીનો ઘા વાગતા હાથમાં ઈજા થઈ હતી. સમગ્ર મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા એએસઆઈ યાસીનમિયાં ગતરોજ રાત્રે પેટ્રોલિંગની ડ્યુટી પર હાજર હતા ત્યારે પોલીસ કંટ્રોલરૂમમાંથી મેસેજ મળ્યો હતો કે, ચંડોળા તળાવ નજીક એક શખ્સે છરીઓ મારી હતી જેના આધારે ત્યાં જઈને તપાસ કરી તો મિલ્લતનગર ખાતે રહેતા અલ્લારખા નજરગાંડા શેખે ઝઘડો કરી એક શખ્સને છરી મારી હતી. ત્યારબાદ છરી સાથે ચંડોળા પેટ્રોલપંપ તરફ ગયો હતો. જેના આધારે યાસીનમિયાં અને તેમના પોલીસ સ્ટાફ સાથે આરોપી અલ્લારખાને શોધવા ગયા હતા. દરમિયાન ચંડોળા પેટ્રોલપંપ નજીક મળી આવતા તેને ગાડીમાં બેસવા કહ્યું હતું ત્યારે ઉશ્કેરાઈ ગયેલા આરોપી અલ્લારખાએ ‘આજે બે લોકોને છરી મારી છે અને આજે પોલીસને પણ નહીં છોડું’ કહીને છરી હવામાં ફેરવવા લાગતા ત્રણેય પોલીસ કર્મીઓ તેને પકડવા ગયા હતા ત્યારે આરોપીએ એક પોલીસ કર્મી દલપતસિંહને ધક્કો મારીને નીચે પાડી દઈ છરીના ઘા મારવા જતો હતો ત્યારે એએસઆઈ યાસીનમિયાંએ તેને ધક્કો મારીને નીચે પાડી દીધો એટલે તેણે છરીથી તેમના ઉપર હુમલો કર્યો ત્યારે યાસીનમિયાંને હાથમાં છરીનો ઘા વાગતા ઈજા થઈ હતી ત્યારબાદ પોલીસનો વધુ સ્ટાફ આવતા આરોપી અલ્લારખાને પકડી પાડયો હતો. સમગ્ર મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્લારખા નજરગાંડા શેખ સામે આઈપીસી ૩૦૭, ૩૩૩, જીપીએ ૧૩પ(૧) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ ઉપર હુમલો કરનારા આરોપીનો ઈતિહાસ ગુનાહિત : પીઆઈ સોલંકી

પોલીસ ઉપર હુમલાના બનાવ અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ.સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર હુમલો કરનારા આરોપી અલ્લારખા શેખનો ગુનાહિત ઈતિહાસ છે. અગાઉ પાંચ મહામારીના ગુનામાં તથા એકવાર પાસા હેઠળ જેલમાં જઈ આવેલો છે. ઉપરાંત થોડા સમય અગાઉ શાહઆલમ વિસ્તારમાં પથ્થરમારા કેસમાં પણ તે આરોપી છે.