૪ મેચોની ટેસ્ટ શ્રેણી ૧-૧ની બરાબરી પર રોહિત શર્મા-શુભમન ગિલ કરશે ઓપનિંગ, ભારતે કર્યા બે ફેરફાર, મેચ સવારે ૫ વાગે શરૂ થશે

સિડની, તા.૬
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી સિડનીમાં શરૂ થશે. હાલ ચાર મેચની સિરીઝ ૧-૧થી બરાબરી પર છે. આંજિક્ય રહાણેની કેપ્ટનશિપમાં ભારતીય ટીમની સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૪૩ વર્ષ બાદ ટેસ્ટ મેચમાં જીત મેળવવાનો પડકાર છે. ૭ જાન્યુઆરીએ સિડનીમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચ માટે બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાનું એલાન કરી દીધું છે. ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા બે બદલાવ સાથે મેદાન પર ઉતરશે. સ્ટાર ઓપનર રોહિત શર્માની વાપસી થઇ છે. નવદીપ સૈનીને ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળશે. બે ટેસ્ટમાં નિષ્ફળ રહેનાર ઓપનર મયંક અગ્રવાલને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આ ગ્રાઉન્ડ પર ભારત સામે ૧૨ મેચ રમી છે, એમાંથી ૫ જીતી અને ૧ હારી છે. અત્યારે સિરીઝ ૧-૧ની બરાબરી પર છે.
સિડનીમાં ગુરુવારે વરસાદની સંભાવના છે. એ પછી ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. મિનિમમ તાપમાન ૧૬ ડીગ્રી અને મેક્સિમમ તાપમાન ૨૧ ડીગ્રી સેલ્સિયસ રહેશે. સિડનીની પિચ બેટ્‌સમેનોને મદદ કરશે. ટેસ્ટના ચોથા અને પાંચમા દિવસે સ્પિનર્સને મદદ મળી શકે છે. બ્રિસ્બેન અને પર્થની પિચની જેમ અહીં ફાસ્ટ બોલર્સને એક્સ્ટ્રા બાઉન્સ નહિ મળે. રોહિત શર્માની વાપસીના ક્યાસ પહેલાથી જ લગાવવામાં આવી રહ્યાં હતા. જો કે તે સ્પષ્ટ ન હતું કે રોહિત શર્મા મયંક અગ્રવાલનું સ્થાન લેશે કે હનુમા વિહારીનું. પરંતુ ટીમ ઇન્ડિયાએ વિહારીને એક મોકો આપવાનો નિર્ણય લીધો.
ઉમેશ યાદવ ઘાયલ હોવાના કારણે ટીમ ઇન્ડિયા માટે વધુ એક બદલાવ કરવા માટે મજબૂર થવુ પડ્યુ. નવદીપ સૈનીને ટીમ ઇન્ડિયાએ ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો છે. નવદીપ સૈની ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનો સાથ આપશે.

 

ભારતીય ટીમઃ-
આંજિક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની