(એજન્સી) તા.૧૩
વડાપ્રધાન મોદીએ મંગળવારે રાત્રે કોવિડ-૧૯ સામે લડવા માટે જાહેર કરેલા આર્થિક પેકેજ અંગે પ્રતિક્રિયા આપતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે, તે આ જાહેરાત અંગે તેમના ઉત્સાહને નિયંત્રણમાં રાખી શક્યા ન હતા. મહિન્દ્રાએ વડાપ્રધાન મોદીની જાહેરાતને ૧૯૯૧માં તત્કાલિન નાણામંત્રી ડૉ. મનમોહનસિંઘે કરેલા આર્થિક સુધારા સાથે જોડી દીધી હતી. આનંદ મહિન્દ્રાએ ટ્‌વીટ કર્યું હતું કે, “આ એક અદ્‌ભુત ભાષણ હતું આ આપણા અસ્તિત્વના ખ્યાલને આપણી ‘તાકાત’માં રૂપાંતરિત કરવાનો અવસર છે. આપણને આવતીકાલે ખબર પડશે કે આ ૧૯૯૧ જેવી પરિવર્તનની ક્ષણ હતી કે, નહીં પરંતુ અત્યારે હું માનું છું કે, આજે રાત્રે હું ઊંઘી નહીં શકું.” જ્યારે અન્ય ઉદ્યોગપતિ અને વડાપ્રધાન મોદીના જાણીતા મિત્ર ગૌતમ અદાણીએ ટ્‌વીટ કર્યું હતું કે, “આત્મનિર્ભર ભારત પેકેજ ફક્ત ઐતિહાસિક જ નથી પરંતુ તેનું વૈવિધ્યપૂર્ણ દૃષ્ટિકોણ જમીન, શ્રમ, તરલતા અને કાયદા પર ધ્યાન આપવા ઉપરાંત લોકોના વિશાળ વર્ગોને આવરી રહ્યું છે. આ એક નિર્ણાયત્મક ક્ષણે છે જ્યાં વડાપ્રધાન મોદી અને તેમની સરકારનું દૃષ્ટિકોણ ભારતને બદલી દેશે.”