૮,ઓક્ટો.ના રોજ એનઆઇએ દ્વારા ૮૩ વર્ષના આદિવાસી અધિકાર કર્મશીલ સ્ટેનસ્વામીની કરાયેલી ધરપકડને કર્મશીલો અને રાજકીય નેતાઓએ સખત શબ્દોમાં વખોડી કાઢીને સ્ટેનસ્વામી પાર્કિન્સન્સ રોગના દર્દી હોવા છતાં અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી પિડાતાં હોવા છતાં તેઓ મહામારી દરમિયાન હાલ જેલમાં છે. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝ દ્વારા આયોજિત એક પત્રકાર પરિષદ ખાતે બોલતાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને એવો દાવો કર્યો હતો કે સરકાર ઉપેક્ષિત સમુદાયોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. એક વીડિયો સંદેશમાં તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે વર્તમાન કેન્દ્ર સરકાર હેઠળ એકતા અખંડિતતા અને લોકતાંત્રિક માળખા પર પ્રહારો થઇ રહ્યાં છે. કેન્દ્રમાં આરુઢ એનડીએ સરકાર આદિવાસીઓ, દલિતો અને અન્ય ઉપેક્ષીત જૂથો માટે અવાજ બુલંદ કરતાં લોકોના અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે એટલું જ નહીં બિનભાજપ શાસિત રાજ્યોને હેરાન કરવામાં આવી રહ્યાં છે. એક છૂપા એજન્ડા હેઠળ પોતાના રાજકીય લાભો માટે જુદા જુદા સમુદો અને સંગઠનો દ્વારા આપણા દેશના વિવિધ બંધારણીય મિકેનિઝમને નબળું પાડવામાં આવી રહ્યું છે.
દેશ કઇ દિશામાં ધકેલાઇ રહ્યો છે તે વિચાર કરવાની હવે આપણને ફરજ પડી રહી છે. એમાંય સ્ટેનસ્વામીની ધરપકડ કરીને કેન્દ્ર સરકારે તમામ મર્યાદાઓ ગુમાવી દીધી છે. સ્ટેનસ્વામી વર્ષોથી ઝારખંડમાં અંતરિયાળ ગામોમાં, જંગલોમાં આમતેમ ભટકીને કામ કરી રહ્યાં છે કે જેથી અહીં આદિવાસીઓ દલિતો અને લઘુમતીઓનો સંપર્ક કરી શકાય. કેન્દ્રના સ્પષ્ટપણે લક્ષિત અને પ્રજા વિરોધી વલણનો મુકાબલો કરવા તમામ પ્રકારના વિપક્ષોએ આ સમયે સંગઠિત થવું જોઇએ. સ્ટેનસ્વામીની જે રીતે ધરપકડ કરાઇ હતી એવું આપણામાંના કોઇ પણ સાથે થઇ શકે છે અને તે લોકોની હત્યા સુધી મામલો પહોંચી શકે છે. એક પત્રકાર પરિષદમાં હેમંત સોરેન, સીતારામ યેચુરી, કનીમોઝી અને શશી થરુર સહિતના રાજકીય નેતાઓએ અલગાર પરિષદના કેસમાં ધરપકડ કરાયેલ તમામ લોકો પ્રત્યે તેનું સમર્થન જાહેર કર્યુ છે અને યુએપીએ કાયદાને વખોડી કાઢ્યો છે. સીપીઆઇએમના મહામંત્રી સીતારામ યેચુરી અને ડીએમકેના કનીમોઝીએ લોકોના અધિકારો પર સરકારના હુમલાઓ પર મૌન તોડવા માટે સિવિલ સોસાયટી ગ્રુપ અને પ્રજાએ ખામોશી તોડવાની જરુર છે. યુએપીએ હેઠળ કુલ ૧૬ જણાની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે જેમાં કબીરકલામંચના સાંસ્કૃતિક કર્મશીલો, માનવ અધિકાર કર્મશીલો, લેખકો, વકીલો અને શિક્ષણવિદોનો સમાવેશ થાય છે. યેચુરીએ ઉમેર્યુ હતું કે સમગ્ર યુએપીએ કાયદો રદ કરવાની જરુર છે કારણ કે તેનો ઘોર દુરુપયોગ થઇ શકે છે. પોટાની જેમ યુએપીએ કાયદાનો પણ ભારે દુરુપયોગ થયો છે અને તેથી આ કાયદાને રદ કરવો જોઇએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરે જણાવ્યું હતું કે સ્ટેનસ્વામી જેલ નહીં પરંતુ આપણા આદર અને સહયોગને પાત્ર છે. સીપીઆઇના ડી રાજાએ યાદ અપાવ્યું હતું કે ભીમા-કોરેગાંવ હિંસામાં હજારો દલિતો પર માત્ર હુમલા જ થયાં ન હતાં પરંતુ તેમની સામે ખોટા કેસ પણ કરવામાં આવ્યા હતાં. પીયુસીએલ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણ માગણી કરવામાં આવી છે.
૧. ભીમા-કોરેગાંવ કેસમાં જેલમાં ધકેલાયેલ ૮૦ વર્ષ કરતાં વધુ વયના સ્ટેનસ્વામી અને વારાવારા રાવને તત્કાળ છોડી મૂકવામાં આવે. એ જ રીતે ૯૫ ટકા વિકલાંગતા ધરાવતાં પ્રો. સાઇબાબાને પણ માનવતાવાદી કારણોસર જેલમાંથી મુક્તિ આપવામાં આવે.
૨. ભીમા કોરેગાંવ કેસમાં તમામ ૧૬ આરોપીઓ સામે આરોપો પડતાં મૂકીને તેમને મુક્ત કરવામાં આવે અને ભીમા કોરેગાંવ સાઝીશ કેસ બંધ કરવામાં આવે.
૩. અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, ૧૯૬૭ને (યુએપીએ) રદ કરવામાં આવે.
(સૌ. : ધ વાયર.કોમ)