અમદાવાદ,તા.૧૬
પ્રવીણ તોગડિયાની ભાળ મળ્યા બાદ મંગળવારે સવારથી જ તેમના સમર્થકો શાહીબાગ સ્થિત ચંદ્રમણી હોસ્પિટલમાં તેમની ખબર અંતર પુછવા દોડી આવ્યા હતા. જેમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયા, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા, દિનેશ બાંભણિયા સહિતના અગ્રણીઓએ હોસ્પિટલમાં જઈને તોગડિયાની ખબર પૂછી હતી. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ પોતાના એન્કાઉન્ટરના કાવતરાની શંકા વ્યક્ત કર્યા બાદ આને લઇને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. પાટીદાર આંદોલન લીડર હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પણ મળવા માટે પહોંચ્યા હતા. ભાજપને ભીંસમાં લેવાની તૈયારી કોંગ્રેસે અને વિરોધીઓએ કરી હતી. તોગડિયાની પત્રકાર પરિષદ બાદ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ તેમને મળવા માટે પહોંચ્યો હતો. હાર્દિક થોડાક સમય સુધી રોકાયા બાદ રવાના થયા પછી કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પણ મળવા માટે પહોંચ્યા હતા. બંનેએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, વૈચારિક મતભેદો હોવા છતાં સુરક્ષાના મુદ્દા ઉપર તેમની સહાનુભૂતિ તોગડિયાની સાથે રહેલી છે. કોંગ્રેસ દ્વારા તોગડિયાને સમર્થન આપવાની બાબત તેમની સોફ્ટ હિન્દુત્વની રાજનીતિનો એક હિસ્સો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, તોગડિયા ભાજપ સાથે ખુબ નજીકથી જોડાયેલા છે. તેઓ ભાજપની હરકતોને જાણે છે. રાજસ્થાન પોલીસ પહેલા પણ અનેક બોગસ એન્કાઉન્ટર કરી ચુકી છે. આમા તપાસ થાય તે જરૂરી છે. ભાજપ પોતાના વિરોધીઓને દૂર કરવા માટે કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર છે. તો હાર્દિકે તોગડિયાની ખબર અંતર પુછ્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે પીએમ મોદી અને અમિત શાહ સાથે મળીને તોગડિયાની સામે ષડ્યંત્ર રચી રહ્યા છે વધુમાં તેણે ઉમેર્યું હતું કે, તોગડિયા અને હું ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવીએ છીએ એટલે અમારી સામે રાજકીય ષડ્યંત્રો રચવામાં આવી રહ્યા છે. આજે હિન્દુ ખતરામાં નહીં પરંતુ હિન્દુસ્તાન ખતરામાં છે. કહીને હાર્દિક મોદી અને શાહ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.