લખનૌ, તા.૨૬
ઉત્તરપ્રદેશના રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન અને તેમના પરિવારને સાગમટે જેલભેગા કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭માં રાજ્યમાં યોગી આદિત્યનાથની સરકાર રચાતા આઝમ ખાન અને તેમના પરિવાર વિરૂદ્ધ સંખ્યાબંધ કેસ દાખલ કરવામાં આવ્યા હતાં.
આ કેસમાંથી ઘણા કેસમાં આઝમ ખાનને પરિવાર સહિત અદાલત સામે હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા હતાં. જેને આઝમ ખાન ટાળતા હતાં પરંતુ આખરે તેમણે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવુ પડ્યું હતું અને આજે તેમને, તેમની પત્ની તંજીન અને દિકરા અબ્દુલ્લાને જેલભેગા કરવામાં આવ્યા છે. રામપુર અદાલતે અનેક વાર આદેશ આપ્યા બાદ પણ આઝમ ખાન ગેરહાજર જ રહેતા હતાં. આ મામલે તેમણે હાઈકોર્ટમાં પણ આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી પરંતુ ત્યાંથી પણ તેમને કોઈ જ રાહત મળી નહોતી. આખરે આજે બુધવારે આઝમ ખાને પરિવાર સાથે અદાલતમાં આત્મસમર્પણ કર્યું હતું. અદાલતે આઝમ ખાન, તેમને પત્ની તાઝીન ફાતિમા અને દિકરા અબ્દુલ્લા આઝમ વિરૂદ્ધ અરેસ્ટ વોરંટ પણ જાહેર કર્યું હતું. અદાલતે ગઈ કાલે મંગળવારે આઝમ ખાનના ઘરની કુર્કીના આદેશ પણ આપ્યા હતાં. ત્યાર બાદ આખરે આજે આઝમ ખાન પરિવારે આત્મસમર્પણ કર્યું હતું. અદાલતે ત્રણેયને ૭ દિવસ માટે ન્યાયિક અટકાલતમાં મોકલી આપ્યા હતાં. આગામી ૧લી માર્ચે આઝમ ખાન વિરૂદ્ધ એક કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.