(એજન્સી) મુંબઈ, તા.૬
યુપીના સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમખાને ૩ એપ્રિલ ર૦૧૭ના રોજ આજતક અને એએનઆઈ ન્યૂઝ એજન્સી સમક્ષ આપેલ એક નિવેદનમાં કહ્યું હતું કે, સેન્ટ્રલ વકફ કાઉન્સિલના સભ્ય ડૉ.એજાજ અબ્બાસ અને તેમના પરિવારને મીર જાફર અને મીર કાસીમ કહી આતંકવાદીઓના વકીલ બતાવ્યા હતા. એજાજ અબ્બાસે આ અંગે આઝમખાનને ફોન કરી ખુલાસો પૂછયો તો આઝમખાને તેમને આરએસએસના દલાલ બતાવ્યા. એજાજ અબ્બાસે અંતે આઝમખાન સામે બાંદ્રા કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટે આઝમખાનને ર૦ જાન્યુઆરી ર૦૧૮ના રોજ કોર્ટમાં હાજર રહેવાનું વોરંટ મોકલ્યું છે. આઝમખાનના આવા વલણથી નારાજ એજાજ અબ્બાસના વકીલ ડી.વી.સરોજ અને જેજે શાહે આઝમખાનને ૧૦૧ કરોડનો માનહાનિનો દાવો કરતી નોટિસ પાઠવી છે. આઝમખાન પોતે વકીલ છે. જેમણે આવી અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે જે લખી શકાય નહીં. હવે આઝમખાન અને કેન્દ્રીય લઘુમતી મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી મિત્ર થઈ ગયા છે. એજાજની રામપુરમાં અવરજવર બંધ થતાં તેમણે મુંબઈની કોર્ટમાં આઝમખાન સામે ક્રિમિનલ કેસ ફાઈલો કર્યો. જેના સંદર્ભમાં જજ રાહુલ સરકારે આઝમખાનને સમન્સ મોકલી જાન્યુ. ર૦ તારીખે કોર્ટમાં હાજર થવા જણાવ્યું. સેન્ટ્રલ વકફ કાઉન્સિલના સભ્ય ડૉ.સૈયદ એજાજને બોર્ડની ૭પમી બેઠકમાં ર૦૧૬ના સપ્ટેમ્બરમાં યુપીના પ્રભારી બનાવાયા હતા. વકફ કાનૂન અનુસાર એજાજને વકફ મામલે રિપોર્ટ બનાવવાનો અધિકાર છે. તેમણે વકફની જમીનોના ગોટાળા બહાર પાડી રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટમાં એજાજ અબ્બાસે ખુલાસો કર્યો હતો કે રામપુરમાં આઝમખાને વકફની જમીનો પર ગેરકાયદેસર શાળા-કોલેજો ઊભી કરી હોવાનો અહેવાલ તૈયાર કર્યો છે. તે મુજબ આઝમખાન અને શીયા વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી ઉપર ૧ર ફરિયાદોનો ઉલ્લેખ કરી સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સાથે સાથે સુન્ની વકફ બોર્ડમાં આઝમખાન અને તેમની પત્ની ડૉ.તન્ઝીમ ફાતમા અને ચેરમેન સુન્ની વકફ બોર્ડે ઝફર ફારૂકીના ત્રણ કેસોમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ રિપોર્ટને સેન્ટ્રલ વકફ કાઉન્સિલે લીલીઝંડી આપી યુપીમાં યોગી સરકારને મોકલી આપી છે. આ કાર્યવાહીથી છંછેડાયેલા આઝમખાને સોશિયલ મીડિયા પર એજાજ અબ્બાસ સામે આરોપો અને અભદ્ર ભાષા વાપરી છે. ર૦ જાન્યુઆરી ર૦૧૮ના રોજ આઝમખાનને બાંદ્રા કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલાયું છે. હવે આઝમખાન એજાજ અબ્બાસને નિશાન બનાવવા કોઈ બીજો રસ્તો અપનાવે છે કે નહીં તે જોવાનું છે.