મોડાસા, તા.ર૪
ગુજરાતમાં અસ્પૃશ્યતા, સામાજિક સમરસતાની વાતો કરવામાં ભાજપ સરકારે કઈ કમી નથી રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દલિતોના ઉદ્ધાર માટે વચનો તો મન મૂકીને આપે છે. વાસ્તવમાં ગતિશીલ ગુજરાતના બણગા ફૂંકતી સરકારમાં દલિતોની સ્થિતિ દયનિય છે હજુ પણ કહેવાતા સભ્ય સમાજના કેટલાક લોકોની માનસિક સ્થિતિ દરિદ્ર જોવા મળી રહી છે. રાજ્યમાં છાસવારે દલિતો પર હુમલા થવાની અને હડધૂત કરવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફાંસારેલ ગામે દલીત સમાજનું સ્મશાન ન હોવાથી વર્ષોથી ખરાબાની જગ્યામાં અંતિમક્રિયા કરતા હતા. ત્યારે અનુસૂચિત જાતિ સમાજના વૃદ્ધનું સર્પદંશથી મોત થતાં સમાજના લોકો અંતિમક્રિયા માટે ખરાબાની જગ્યામાં અંતિમક્રિયા માટે પહોંચતા ગામના કહેવાતા સવર્ણ સમાજના લોકોએ વૃદ્ધની અંતિમક્રિયાની વિધિ અટકાવી તેમની માલિકીની જગ્યા હોવાનું જણાવતા દલિત સમાજના લોકોને ત્રણ-ત્રણ સ્થળે વૃદ્ધની અંતિમક્રિયા ન થવા દેતાં પરિવારજનો ૫-૫ કલાકથી લાશ લઈને રઝળી રહ્યા છે. આ અંગેની જાણ દલીત સમાજના અગ્રણી હસમુખ સક્સેનાને થતાં તાબડતોડ ફાંસારેલ ગામે પહોંચ્યા હતા અને આ અંગે જિલ્લા પોલીસવડા અને વહીવટી તંત્રને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું.
આખરે સ્થાનિક પોલીસ અને મામલતદારની ઉપસ્થિતિમાં ગામના લોકો સાથે ચર્ચા હાથ ધરી આખરે મામલો થાળે પાડી વૃદ્ધની અંતિમવિધિ શરૂ કરવામાં આવી હતી.
માલપુરના ફાંસારેલ ગામે જીવતા તો અસ્પૃશ્યતાનો ભોગ બનતા રહ્યા મૃત્યુ પછી પણ અસ્પૃશ્યતાએ પીછો ન છોડ્યો હોય તેમ હૃદયદ્રાવક કિસ્સો બહાર આવતા ભારે ચકચાર મચી છે.
આ ઘટના બાદ સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે અને જાણે મૃતદેહના શબ્દો ગુંજી રહ્યા છે કે, રે કુદરત ! તેરે દર દેર ભી ઔર અંધેર ભી.. જિંદગી અસ્પૃશ્યતા સાથે ગુજારી તો મર્યા પછી મોતની અદબ જળવાતી તો આત્માને શાંતિ મળતી પણ મને આ તે કેવો અન્યાય… મર્યા પછી પણ રાખ્યો અસ્પૃશ્ય..