(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કોરોના વાયરસના કારણે ઊભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, હાલમાં આપણું દેશ આઝાદી પછીની સૌથી ભયાનક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે સરકારે વિપક્ષી પાર્ટીઓ સહિત નિષ્ણાંતોની મદદ લેવી જોઈએ. રાજને પરહેપ્સ ગ્રેટેસ્ટ ચેલેન્જ ઈન રિસન્ટ ટાઈમ નામના શીર્ષકથી લખેલા બ્લોગમાં કહ્યું હતું કે, આ આઝાદી પછીનું સૌથી મોટું આર્થિક સંકટ છે. ર૦૦૮-૦૯ની વૈશ્વિક મંદી દરમિયાન માંગ ઘણી ઘટી ગઈ હતી. પરંતુ ત્યારે આપણા કામદારો કામ પર જઈ રહ્યા હતા. આપણી કંપનીઓ ઘણા વર્ષોના નક્કર વૃદ્ધિદરના કારણે મજબૂત હતી. આપણી નાણાંકીય સિસ્ટમ સારી સ્થિતિમાં હતી અને સરકારના નાણાંકીય સંસાધનો પણ સારી સ્થિતિમાં હતા. અત્યારે આપણે કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહ્યા છીએ અને આમાંથી કશું સારી સ્થિતિમાં નથી પરંતુ તેમણે આ પણ કહ્યું હતું કે, જો યોગ્ય રીતે કામ કરવામાં આવે તો ભારત પાસે એટલા સ્ત્રોત છે કે તે આ મહામારીથી બહાર તો નીકળશે સાથે સાથે ભવિષ્ય માટે નક્કર પાયો પણ નાંખી શકે છે. રાજને કહ્યું હતું કે, બધા કાર્યો વડાપ્રધાન કાર્યાલયથી નિયંત્રિત કરવાનો કોઈ અર્થ નથી કારણ કે, ત્યાં લોકો પર પહેલાંથી જ કામનું ભારણ વધારે છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે ઘણું બધું કરવાની જરૂર છે. સરકારે એવા લોકોને બોલાવવા જોઈએ જેમની પાસે અનુભવ અને ક્ષમતા છે. ભારતમાં એવા ઘણા લોકો છે જે આ મંદીમાંથી દેશને બહાર લાવવામાં સરકારને મદદ કરી શકે છે. સરકાર રાજકીય વિભાજન રેખાને ઓળંગી વિપક્ષ પાસેથી પણ મદદ લઈ શકે છે જેની પાસે છેલ્લી વૈશ્વિક આર્થિક કટોકટીમાંથી દેશને બહાર કાઢવાનો અનુભવ છે.