અમદાવાદ,તા.૮
અંગ્રેજોના શાસનથી આઝાદ થયા બાદ ભારતના ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતના ખેતરોમાં પાક કાપણી સમયે પોલીસ બંદોબસ્ત ખડકાશે. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ પાક કાપણી નુકસાની સર્વે પોલીસની હાજરીમાં કરવાનો નિર્ણય કરતા ભાજપ સરકારના આ મનસ્વી નિર્ણય સામે ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારમાં ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા ને પત્ર લખી ગામેગામ પોલીસ બંદોબસ્ત ફાળવવા માગણી કરી છે. તેમનું કહેવું છે કે પાક કાપણી ટાણે નિરીક્ષણ (અખતરા)ની પ્રક્રિયામાં હિત ધરાવતા વ્યકિત (ખેડૂતો) ખલેલ પહોંચાડે અથવા તો દબાણ લાવવાની કોશિશ કરે તેવી શકયતા છે એટલે બંદોબસ્ત જરૂરી છે. પ્રાઈવેટ વીમા કંપનીના સર્વેયર્સ, કૃષિ-આંકડા અને પંચાયતના અધિકારીઓની ટીમ ઓછા વરસાદથી થયેલા નકસાનીનું સર્વેક્ષણ કરશે. સરકાર ખેડૂતોથી ડરે છે કે કંપનીઓને સાચવવી છે ? ખેડૂતો, ખેતી, ખેત પેદાશોને કોઈપણ પ્રકારના રક્ષણ આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર ખાનગી કંપનીઓને કરોડો રૂપિયાની લૂંટ ચલાવવા પોલીસ રક્ષણ આપે તે છે ભાજપાનો ખેડૂત વિરોધી અને ખાનગી કંપનીઓની નફાખોરી તરફી અસલી ચહેરો…! ગ્રામસેવકો, પંચાયત અને કૃષિ વિભાગના અધિકારીઓના કહેવા મુજબ પાક કાપણીના અખતરાના નિરીક્ષણ વખતે અત્યાર સુધી કયારેય સંઘર્ષ થયો નથી. ખેડૂતો વધારે નુકસાની વળતર મળે તેવી અપેક્ષા રાખે તે સ્વભાવિક છે. પરંતુ આખી પ્રક્રિયા જ વૈજ્ઞાનિક છે. જેમાં વધારે નુકસાન દર્શાવવું હોય તો પણ દર્શાવી શકાય તેમ નથી. સૌરાષ્ટ્રમાં જયારથી પ્રધાનમંત્રી પાક વીમા યોજના અમલમાં આવી છે ત્યારથી વળતર મળ્યું નથી. એવામાં ચોમાસુ ખરાબ ગયું છે. ત્યારે ખેડૂતોમાં ભારે રોષ છે. આથી પોલીસ સાથે રાખવા નિર્ણય કર્યો હોઈ શકે જેથી વીમા કંપનીઓના સર્વેયરો સાથે સંઘર્ષ માટે પોલીસ, ગરીબોના આવાસમાં મોત થાય ત્યારે પોલસી બંદોબસ્ત અને હવે જમીન કાપણી માટે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને ભાજપ શાસકો ભય અને ડરનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે.