વિશ્વની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલ વિશ્વકપનો આવતી કાલથી બ્રાઝિલમાં ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે. પણ ભારતમાં તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો નથી તેનું કારણ એ જ છે કે આપણા દેશમાં ક્રિકેટનું લોકોમાં ઝનૂન છે ક્રિકેટ અને તેના નિયમો નાના નાના ભૂલકાઓ પણ જાણતા હોય છે. સચિન, સહેવાગ, ગેલ કે પોલાર્ડ વિશે પૂછશો તો કોઈપણ બતાવી દેશે કે તે કયા દેશનો સ્ટાર છે. પણ ઝિદાન, રોનાલ્ડો કે મેસ્સી વિશે પુછીશું તો સાંભળવા મળશે આ તો વળી કોણ છે. ફૂટબોલ આપણા દેશમાં લોકપ્રિય નથી. એટલે સ્વાભાવિક છે કે લોકોને તેમાં સમજ ના પડતી હોય એટલે મેચ જોવાની મઝા ના આવે પણ આટલું વાંચી લેશો તો મઝા પડી જશે. તે પણ ક્રિકેટ જેટલી જ રોમાંચક છે. ફૂટબોલની રમત વિશ્વમાં સોકર તરીકે પણ ઓળખાય છે અને તે પણ હોકી જેમ લંબચોરસ મેદાનમાં રમાય છે. જેની લંબાઈ લગભગ ૩૬૦ ફુટ જેટલી હોય છે. બંને બાજું હોકી જેમ જ ગોલ પોસ્ટ હોય છે. બંને ટીમમાં ૧-૧૧ ખેલાડી હોય છે. જેમાં ગોલકીપર, ડિફેન્ડર અને મિડફિલ્ડર હોય છે. ટીમ વધારાના ત્રણ ખેલાડી લઈ શકે છે. સ્ટ્રાઈકર ખેલાડીઓ બોલને ઝૂંટવી વિરોધી ક્ષેત્રમાં લઈ જઈ તેને ગોલમાં ફેરવી દે છે. ફુટબોલ ચામડાનો હોય છે અને વજન ૪પ૦ ગ્રામ જેટલું હોય છે. રમતમાં ૪પ-૪પ મિનિટના બે હાફ હોય છે. બંને હાફ વચ્ચે ૧પ મિનિટનો વિરામ હોય છે. બંને હાફ બાદ પણ મેચનું પરિણામ ન આવે તો વધારાની ૧પ-૧પ મિનિટ આપવામાં આવે છે અને એમાંથી પણ વિજેતા નક્કી ન થાય તો પેનલ્ટી શૂટઆઉટ રિઝલ્ટ નક્કી કરવામાં આવે છે. દરેક મેચમાં એક મુખ્ય રેફરી અને બે સહાયક રેફરી હોય છે. રેફરી મેચ દરમ્યાન યલો અને રેડકાર્ડનો ઉપયોગ કરે છે. જ્યારે ખેલાડી નારાજગી વ્યક્ત કરે રમત શરૂ કરવામાં વિલંબ કરે, રેફરીની પરવાનગી વિના મેદાન પર આવે અથવા મેદાન પરથી જતાં રહે રમતના નિયમોનો ભંગ કરે તો રેફરી તેવા ખેલાડીને યલો કાર્ડ બતાવે છે. જ્યારે ખેલાડી ગંભીર ગુનો કરે જેવું કે તે વિરોધી ખેલાડી સામે થુંકે, તેને લાત મારે અથવા જાણી જોઈને ધક્કો મારે, બોલને હાથ લગાડી ગોલ થતો અટકાવે, અપશબ્દો બોલે તેવા પ્લેયરને રેફરી રેડકાર્ડ બતાવે છે એ ખેલાડીએ મેચ અધ્વચ્ચે છોડી દેવી પડે છે.
સ્ટ્રાઈકર, મિડફીલ્ડર અને ડિફેન્ડર એટલે શું
જેમ ક્રિકેટની રમતમાં વિકેટપીપર, બેટ્‌સમેન અને બોલર હોય છે. તેમ ફુટબોલમાં સ્ટ્રાઈકર, મિડફિલ્ડર અને ડિફેન્ડર હોય છે. ડિફેન્ડર ખેલાડીનું કામ ગોલકીપરને મદદ કરવાનું અને હરીફ ખેલાડીને ગોલ કરતાં રોકવાનું છે. સ્ટ્રાઈકરોની જવાબદારી ગોલ કરવાની છે. આ ઉપરાંત તેઓ વિરોધી ટીમ પાસેથી બોલ ઝૂંટવી લેવાનું કામ પણ કરે છે. મિડફિલ્ડરો ડિફેન્ડર અને સ્ટ્રાઈકરોની વચ્ચે હોય છે. તેઓ ડિફેન્ડરો પાસેથી બોલ લઈ સ્ટ્રાઈકરોને પહોંચાડે છે.
પેનલ્ટી શૂટઆઉટ કયારે
૪પ-૪પ મિનિટના નિર્ધારીત સમય પછી ૧પ-૧પ મિનિટના વધારાના સમયમાં પણ બંને ટીમોના સરખા ગોલ હોય અથવા બંનેમાથી એકપણ ટીમનો ગોલ થયો ન હોય તો વિજેતા નક્કી કરવા પેનલ્ટી શૂટઆઉટનો ઉપયોગ થાય છે. પેનલ્ટી શૂટઆઉટમાં બંને ટીમના પાંચ-પાંચ ખેલાડી પેનલ્ટી કીકથી ગોલ કરવાનો પ્રયાસ કરે છે. પ્લેયરની સામે ગોલકીપર હોય છે. પેનલ્ટી શૂટઆઉટમાં પણ સ્કોર બરબર હોય તો સડન ડેથ રાખવામાં આવે છે. જેમાં બંને ટીમના એક ખેલાડી કીક મારે છે અને એમા પહેલાં જે ખેલાડી ગોલ કરે તે ટીમ જીતેલી જાહેર કરાય છે.
કોર્નર અને પેનલ્ટી કિક
ગોલપોસ્ટની પાસે પેનલ્ટી વિસ્તાર હોય છે. જેમાં કોઈ ખેલાડી મોટા નિયમનો ભંગ કરે તો વિરોધી ટીમને પેનલ્ટી કિક મળે છે. તેમાં ગોલનો બચાવ કરવા માટે ફકત ગોલકીપર હોય છે. જ્યારે બચાવ કરી રહેલી ટીમના કોઈ ખેલાડીને ચડીને બોલ ગોલ પોસ્ટથી બહાર જતો રહે. ત્યારે કોર્નર કિક મળે છે. એમાં નજીકના કોર્નર પોસ્ટ પર બોલ રાખી કિક મારવામાં આવે છે. જ્યારે કોઈ ખેલાડી કિક મારવાનો પ્રયાસ કરી રહ્યો હોય અને હરીફ ટીમનો ખેલાડી તેને ધક્કો મારે અથવા જાણી જોઈને પગ મારે ત્યાર રેફરી ફ્રી કિક આપે છે.