જૂનાગઢ, તા.૧પ
જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં એક કરતાં વધારે ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે આરોપીઓ વિરૂદ્ધ પાસા તડીપાર જેવા કડક અટકાયતી પગલા લેવા માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ ખાતે રહેતા અરજણ ઉર્ફે બી.ડી. પરબતભાઈ કરમટા જાતે રબારી (ઉ.વ.૩૦, રહે. સંજયનગર, ગાંધીગ્રામ જૂનાગઢ) કે જે ભૂતકાળમાં વિદેશી દારૂના માતબર રકમના મુદ્દામાલના જેતપુર, જૂનાગઢ સહિતના પોલીસ સ્ટેશનમાં કુલ ચારથી પાંચ ગુનાઓ તેમથજ મારામારીના બેથી ત્રણ ગુનાઓ સહિત કુલ સાત-આઠ ગુનાઓમાં સંડોવાયેલ આંતર જિલ્લા આરોપી હોય, ઉપરાંત આ માથાભારે આરોપી વિરૂદ્ધમાં ભૂતકાળમાં અટકાયતી પગલા લેવામાં આવેલ હોવા છતાં, તેણે ગુનાઓ આચરવાનું ચાલુ જ રાખેલ હોઈ, જૂનાગઢ શહેર સી-ડિવિઝન પોલીસે અતિ ગુપ્તતા જાળવી પાસા દરખાસ્ત તૈયાર કરી, બુટલેગર અરજણ ઉર્ફે બી.ડી. પરબતભાઈ કરમટા જાતે રબારી વિરૂદ્ધમાં પાસા ધારા હેઠળ દરખાસ્ત તૈયાર કરી, જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ પારઘી સમક્ષ મોકલી આપતા, જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા ધારા મુજબ વોરંટ ઈશ્યૂ કરવામાં આવેલ હતું. જે બ્રાંચના પી.આઈ. આર.સી.કાનામિયાં પીએસઆઈ આર.કે.ગોહિલ, જૂનાગઢ શહેર સી-ડિવિઝનના ઈ.ચા. પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.જી.બડવા, પીએસઆઈ એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક તેની બજવણી કરી અને પાસા અટકાયતી અરજણ ઉર્ફે બી.ડી. પરબતભાઈ કરમટાની પાસા ધારા હેઠળ અટકાયત કરી તેને લાજપોર જેલ, સુરત ખાતે મોકલી આપવા કાર્યવાહી કરવામાં આવેલ છે.