(એજન્સી) બેંગ્લુરૂ, તા.૩૧
ધ ગૌરી મેમોરિયલ ટ્રસ્ટે હત્યા કરાયેલ પત્રકાર ગૌરી લંકેશને શ્રદ્ધાંજલિ આપવા તથા તેમને યાદ કરવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચના રોજ એક અખબાર શરૂ કરવાની ઘોષણા કરી છે.
પાંચ સપ્ટેમ્બર ર૦૧૭ના રોજ બેંગ્લુરૂમાં પોતાના ઘર બહાર ગૌરીની ગોળીએ મારી હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદથી તેમના દ્વારા પ્રકાશિત થતું કન્નડ ટેબલોઈડ ‘ગૌરી લંકેશ પત્રિકા’ બંધ થઈ ગયું હતું. સાત સપ્ટેમ્બરનો અંક બહાર પડ્યો હતો. પણ ત્યારબાદ ૩૦ સપ્ટેમ્બરનો અંક પ્રગટ થઈ શક્યો ન હતો. તેમના મોત બાદ પત્રિકાનું પ્રકાશન બંધ હતું.
ગત ડિસેમ્બર માસમાં ધ ગૌરી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટનો હેતુ છે કે, તે ગૌરી દ્વારા કરાતાં પ્રમાણિક પત્રકારત્વને આગળ ધપાવશે અને ખેડૂતો, હાંસિયામાં ધકેલાયેલા લોકો કચડાયેલા તથા મજદૂરો અને જરૂરતમંદોનો અવાજ બુલંદ કરશે.
બેંગ્લુરૂમાં તેમના જન્મદિન ર૯ જાન્યુઆરીના રોજ એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અખબારને પ્રસિદ્ધ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ટ્રસ્ટના સચિવ તથા બેંગ્લુરૂના સામાજિક કાર્યકર ડોડીપલાયા નરસિંહમા મુર્તીએ જણાવ્યું હતું કે, ગૌરીના પત્રકારત્વ અને ગૌરી પત્રિકાને આગળ વધારવી એક ખૂબ મોટી જવાબદારીનું કામ છે. ગૌરીના અભિયાનને આગળ વધારીએ તે અમારી જવાબદારી છે. આગામી આઠમી માર્ચે અખબાર પ્રસિદ્ધ કરવામાં આવશે. ટ્રસ્ટે આ અખબારના ખર્ચને પહોંચી વળવા લોકોને સહયોગ કરવાની વિનંતી કરી છે. આ અખબારનું નામ ‘નવું ગૌરી’ (અમે ગૌરી છે) રખાય તેવી શક્યતા છે.