(સંવાદદાતા દ્વારા)
કોડીનાર તા.૨૪
કોડીનાર અલ મસ્તાન યંગ કમિટી દ્વારા આજે પ્રથમ સમૂહ શાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૮ દુલ્હા દુલ્હનો એ નિકાહ પઢી લગ્નજીવનની શરૂઆત કરી હતી. અલ મસ્તાન યંગ કમિટી કોડીનાર દ્વારા કસ્બા જમાતખાનામાં યોજાયેલા સમૂહ શાદી સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલા હિન્દૂ-મુસ્લીમ સમાજના અગ્રણી આગેવાનોનું અલ મસ્તાન યંગ કમિટીના નવયુવાનો દ્વારા ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ૮ સમૂહ નિકાહ બાદ દુવાએ ખૈર કરવામાં આવી હતી. આ તકે હાજર અગ્રણીઓએ દુલ્હા દુલ્હનોને સફળ લગ્નજીવન માટે દુઆઓ આપી સમાજમાં લગ્નમાં પ્રવતી રહેલા કુરિવાજો દૂર કરી લગ્નમાં ફિઝુલ ખર્ચો બંધ કરી ખોટા રીતી રિવાજોને તિલાંજલિ આપી સુન્નત તરીકાથી સાદગી થી જ લગ્ન કરવા અપીલ કરી હતી. આ સમૂહલગ્નમાં આયોજકો દ્વારા દુલ્હનોને કરીયાવર માં જીવનજરૂરી નાની મોટી ૮૦ વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોડીનાર ના ધારાસભ્ય મોહનભાઇ વાળા, નગરપાલિકા ઉપપ્રમુખ સુભાષભાઈ ડોડીયા, ચેમ્બર્સ ઓફ કોમર્સ ના પ્રમુખ હરીભાઈ વિઠલાણી,મનુભાઈ મેર, સૈયદ હાજી રફીકબાપુ કાદરી, કોડીનાર સૈયદ કાદરી જમાતના પ્રમુખ સૈયદ જીલાનીબાપુ કાદરી,ઉનાથી ખાસ પધારેલા ઇકબાલભાઈ ભીસ્તી, ઉસ્માનભાઈ કાજી નાલીયા માંડવી,સીદીકભાઈ કુરેશી નવાબંદર,હાજી રફીકભાઈ જુણેજા,હાજીબાપુ પટેલ, ફરમાન ભાઈ નકવી,રઉફભાઈ કચ્છી,મજૂર કમિટીના પ્રમુખ અલારખા ભાઈ પઠાણ વગેરે અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે અલ મસ્તાન યંગ કમિટીના પ્રમુખ મોહસી નખાન પઠાણ, ઇમરાન બાપુ, હનિફ ભાઈ સોરઠીયા, ખજાનચી રિઝવાન ભાઈ અને તેમની સમગ્ર ટીમ સાથે અયાખાન પઠાણ, સમીરખાંન અને તન્વીર જુણેજાએ ભારે જહેમત ઉઠાવી ઉઠાવી હતી.