આણંદ,તા.૨૦
આણંદના ઈસરામાં ગામની નર્સ અમદાવાદમાં ફરજ દરમ્યાન કોરોનાનો ભોગ બની છે.
ઇસરામાં ગામના દક્ષાબેન દીપકભાઈ પરમાર (ઉ.વ.૩૫) છેલ્લા ઘણા સમયથી અમદાવાદ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે, હાલમાં કોરોના વાયરસને લઈને તેઓને અમદાવાદના કોરોના વાયરસના હોટ સ્પોટ ગણાતા જમાલપુરમાં ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી માટે તૈનાત કરાયા હતા, જ્યાં તેઓ જમાલપુરની ગલીઓમાં ફરીને ઘરે ઘરે જઈને લોકોની આરોગ્ય ચકાસણી કરતા હતા ,કોરોના પોઝિટિવ દર્દીઓના સર્વે દરમિયાન દક્ષાબેનને કોઈ કોરોના પોઝિટિવ દર્દીનો ચેપ લાગી જતા તેઓની તબિયત લથડી હતી અને જેઓનું કોરોના પરીક્ષણ કરતા તેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.
થોડા દિવસો પૂર્વે તેઓ ઇસરામાં ગામે પોતાના પરિવારજનોને મળવા આવ્યા હોઈ તકેદારીના પગલાં રૂપે ઇસરામા ગામમાં રહેતા દક્ષાબેનના પરિવારજનોને હોમ ક્વોરન્ટાઇન કરી તકેદારીના પગલાં રૂપે તેઓના પરિવારજનોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેઓનાં મકાન તેમજ આસપાસનાં મકાનો અને વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવેલ છે.