(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૬
રાજ્યસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા રાજીનામા આપ્યા બાદ આણંદના ઉમેટા પાસે મહિસાગર નદીના કિનારે આવેલા એરાઈસ રીવર સાઈડ રિસોર્ટમાં ગઈકાલે સાંજે કોંગ્રેસના મધ્ય ગુજરાતના ૯ ધારાસભ્યોને લાવવામાં આવ્યા બાદ આજે બપોરે બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારએ રિસોર્ટની બહાર આવીને આણંદ ખેડા અને પાદરાના ધારાસભ્યો રિસોર્ટમાં રોકાયા હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજ્યસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા રાજીનામા આપી દેવાની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા બાકી રહેલા ધારાસભ્યોને સાચવવા માટે અલગ-અલગ રિસોર્ટમાં ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. જે અંતર્ગત ગઈકાલે સાંજે આણંદ ખેડા જિલ્લા અને પાદરાના કોંગ્રેસના ધારાસભ્યોને આણંદ જિલ્લાના આંકલાવ નજીક ઉમેટા પાસે મહિસાગર નદીના કિનારે આવેલા એરાઈસ રિવર સાઈડ રિસોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રિસોર્ટમાં આણંદ જિલ્લાના સ્થાનિક કાર્યકરો અને જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહિડા સહિત પદાધિકારીઓની અવર-જવર રહી હતી. રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, રિસોર્ટમાં રહેલા નવ ધારાસભ્યો એક જૂટ છે અને આ નવ ધારાસભ્યો પૈકી એક પણ ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે નહીં, તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના પ્રતિક પર જનતાએ મત આપી ચૂંટીને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલ્યા હતા તે ધારાસભ્યોએ રાજીનામા આપી જનતા સાથે ગદ્ધારી કરી છે, તેઓને પ્રજા મતથી જવાબ આપશે.