(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૧
કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી ગિરિરાજસિંહે આજે આણંદ જિલ્લાના દહેવાણના ઝાકરિયાપુરા ગામની મુલાકાત લઈને ગોબર પ્લાન્ટ નિહાળ્યો હતો અને આ અંગે તેઓએ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી.
કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી ગિરિરાજસિંહે આજે સવારે આણંદ એનડીડીબીના અધિકારીઓ સાથે દહેવાણના ઝાકરિયાપુરા ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂતો દ્વારા બનાવેલા ગોબર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ આણંદ એનડીડીબી ખાતે અમુલ ડેરી, એનડીડીબી અને ઈરમાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દા પર ચર્ચા વિચારણા કરી હતી.
મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પશુપાલકોને ૬૦ વર્ષની ઉંમર બાદ આજીવન માસિક ત્રણ હજાર રૂપિયા પેન્શન મળે તે માટે સરકાર વિચારણા કરી રહી છે અને આ અંગે આજે અમુલ, ઈરમા અને એનડીડીબી સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આ માટે અમુલ અને એનડીડીબી ૫૦ ટકા નાણાં આપશે. જ્યારે ૫૦ ટકાનો ફાળો કેન્દ્ર સરકાર આપશે.
ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે, પ્રાણીઓમાં પણ સેરોગેટ મધર થકી ઉચ્ચ જાતવાન ઓલાદ પેદા કરવા માટે આણંદ એનડીડીબી દ્વારા અદ્યતન લેબોરેટરી બનાવવામાં આવી છે અને જેનાથી ઉચ્ચ જાતવાન પશુઓની ઓલાદ પેદા કરી તેનાથી દૈનિક ૪૦થી ૫૦ લીટર દૂધનું ઉત્પાદન કરી ખેડૂતોની આવકમાં વધારો થશે. તેઓએ એનડીડીબીની ખેડૂતોના ઉત્થાન માટેની અને અત્યંત અદ્યતન લેબોરેટરીને કામગીરીને અને વૈજ્ઞાનિકોને બિરદાવ્યા હતા. મંત્રીએ એનડીડીબીની અદ્યતન લેબોરેટરીની મુલાકાત કરી હતી અને આ મુલાકાતથી ગિરિરાજસિંહ અભિભૂત થયા હતા.