(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૭
આણંદ તાલુકા ત્રણોલ ગામે છેલ્લા એક સપ્તાહથી દાણ ખાવાથી પશુઓ બિમાર પડવાના બનાવો વધી ગયા છે બુધવારે વહેલી સવારે વધુ પાંચ પશુઓનાં મોત નિપજતા ખેડુતોમાં ભારે રોષ પ્રવર્તી ઉઠયો છે,ખેડુતો દ્વારા અમૂલનું પશુ દાણ ખાધા બાદ પશુઓનાં મોત નિપજયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે,છેલ્લા ૨૪ કલાકમાં ત્રણોલ ગામમાં ૧૨ પશુઓનાં મોત નિપજવાની ધટનાને લઈને બુધવારે બપોરે ભારતીય કિશાન યુનિયન (અ) દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને પશુઓનાં મોતની ધટનાની તપાસ કરવા અને યોગ્ય વળતર ચુકવવાની માંગ કરી છે.
આણંદ જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસમાં પશુ દાણ ખાવાથી ૭૫ થી વધુ પશુઓનાં મોત નિપજવાની ધટના બની છે,જેમાં પાળજ ગામનાં પ્રણામી પુરામાં ત્યારબાદ રતનપુરા ગામે અને હવે આણંદ તાલુકાનાં ત્રણોલ ગામે પશુ આહાર ખાધા બાદ ૩૦ થી વધુ પશુઓ બિમાર પડયા હતા અને જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ પશુઓનાં મોત નિપજતા પશુપાલકો ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. બે દિવસથી પશુડોકટરોની ટીમ દ્વારા ગામમાં પશુઓને સારવાર આપવા છતાં બુધવારે સવારે વધુ પાંચ પશુઓનાં મોત થતાં ભારતીય કિશાન યુનિયન દ્વારા પશુપાલકોને ન્યાય અપાવવા માટ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું,અને જો ગાય બોલી સકતી હોય અને તેણે જો મરણોત્તર નિવેદન આપ્યું હોત તો કેવું નિવેદન આપ્યું હોય તેની કોેપી કલેકટર દિલીપ રાણાને સુપ્રત કરીને પશુઓનાં મોતની ધટનામાં યોગ્ય તપાસ કરવા તેમજ વળતર ચુકવવાની માંગ કરી હતી.
ત્રણોલ ગામનાં પશુપાલક કપીલાબેનએ જણાવ્યું હતું કે તેઓની પાંચ ગાયોએ પશુદાણ ખાધા બાદ છેલ્લા ત્રણ દિવસથી ખાવા પિવાનું બંધ કરી દીધું છે,છેલ્લા ત્રણ દિવસથી પશુ ચિકિત્સકો ગાયોની સારવાર કરી રહ્યા છે,તેમ છતાં આજે વહેલી સવારે તેઓની ત્રણ ગાયોનાં મોત નિપજયા છે.
આણંદનાં નાયબ પશુપાલન નિયામક ડા.સ્નેહલ પટેલએ જણાવ્યું હતું કે પશુઓની મોતની ધટનામાં પશુપાલકો દ્વારા પશુ દાણ ખવડાવ્યા બાદ પશુઓ બિમાર પડી મોતને ભેટી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે,જેને લઈને અમૂલ અને પશુપાલક વિભાગની જુદી જુદી ટીમો ત્રણોલ ગામે પશુઓની સારવાર કરી રહી છે,તેમજ મૃત પશુનું પોષ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે,જેનાં રીપોર્ટ બાદ મૃત્યુની સાચુ કારણ જાણી શકાશે.
આ અંગે અખીલ ભારતીય કિશાન યુનીયનનાં પ્રદેશ પ્રમુખ રવિ પટેલએ જણાવ્યું હતું કે જિલ્લામાં ભેદી રીતે દાણ ખાધાબાદ ૧૫૦ વધુ પશુઓના મોત થયા છે. પશુપાલકો કહે છે કે દાણ ખવડાવવાથી પશુઓ બિમાર પડે છે. પરંતુ તંત્ર માનવા તૈયાર નથી.
આ બાબતે અમુલ ડેરીનાં ચેરમેન રામસિંહ પરમારએ જણાવ્યું હતું કે પશુઓનાં મોતની ધટનાને લઈને અમૂલ ખુબજ ગંભીર છે,અને અમુલનાં પશુ ચિકિત્સકોની ટીમ ગામડામાં જઈને બિમાર પશુઓની સારવાર કરી રહી છે,અને મૃત પશુઓનાં પોષ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા છે,જેનો અહેવાલ આવ્યા બાદ પશુઓનાં મોતનું કારણ સ્પષ્ટ થઈ જશે.