(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૮
સમગ્ર દેશમાં કોમી એકતાને તોડવા અને ભાઈચારાને નુકસાન પહોંચાડવા માટે કેટલાક તત્ત્વો દ્વારા યેન-કેન પ્રકારે મુસ્લિમ સમાજને બદનામ કરવાની એક પણ તક છોડવામાં આવતી નથી. ત્યારે હાલમાં કોરોનાની મહામારી વચ્ચે આણંદ શહેરના મુસ્લિમ ઉલેમા ગ્રુપ અને યુવાનો દ્વારા કોરોનાગ્રસ્ત હિન્દુ મૃતદેહનું આણંદના કૈલાસભૂમિ સ્મશાનગૃહમાં હિન્દુ વિધી અનુસાર અંતિમ સંસ્કાર કરી ઈસ્લામે બતાવેલા માનવતાના સંદેશનું પાલન કરી માનવતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે, જે કોરોના મામલે મુસ્લિમ સમાજને બદનામ કરનારા લોકોને જડબાતોડ જવાબ છે. મળતી વિગતો અનુસાર ખેડા જિલ્લાના કપડવંજ ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું આણંદના કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું, મૃતકના પરિવારજનો ક્વોરન્ટાઈન હોઈ તેમજ કોરોનાગ્રસ્ત દર્દી હોવાના કારણે અન્ય લોકો જ્યારે આ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા તૈયાર નહીં થતાં મૃતકના સગા-સંબંધીઓ માટે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી જેની જાણ આણંદ શહેરના મુસ્લિમ ઉલેમા ગ્રુપના ઉલેમાઓ તેમજ મુસ્લિમ યુવાનોને થતાં તેઓએ કોરોનાગ્રસ્ત હિન્દુ મૃતદેહના હિંદુ સમાજના રીતરીવાજ અનુસાર અંતિમવિધિ કરી આપવાની તૈયારી સાથે મૃતકના સગાવ્હાલા સાથે ખભાથી ખભો મિલાવીને ઊભા થઈ ગયા હતા અને તેમનાં સગા સંબંધીને મૃતદેહની અંતિમવિધી માટે સહેજ પણ ચિંતા નહીં કરવા જણાવ્યું હતું અને મુસ્લિમ ઉલેમાઓ તેમજ યુવાનો કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દોડી ગયા હતા જ્યાં મૃતદેહનો કબજો મેળવી એમ્બ્યુલન્સવાનમાં મૃતદેહને આણંદના કૈલાસભૂમિ સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવ્યો હતો. મુસ્લિમ ઉલેમાઓ દ્વારા પીપીઈ કિટ પહેરીની કોઈ પણ ભય વિના સ્મશાનગૃહમાં હિંદુ વિધી અનુસાર મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. મૃતકના પરિવારને સંતોષ થાય તે રીતે મૃતેદહના હિંદુ રીતરીવાજ અનુસાર અંતિમ સંસ્કાર કરી મુસ્લિમ ઉલેમાઓ અને યુવાનોએ કોમી એકતાની સુવાસ પ્રસરાવીને ખોટી અફવાઓ ફેલાવતા અને સમાજને બદનામ કરતા લોકોને સંદેશ આપ્યો છે.