નાગરવાડા વિસ્તારના બનાવ બાદ યુવતીને ધાકધમકી, દબાણની ભીંતિ

અમારા લગ્નજીવનમાં કોઈ વિઘ્ન કે બાધા ન આવે તથા અમુક લોકો અમારા લગ્નથી નારાજ થઈને કોઈ કાર્યવાહી ન કરે તે માટે અરજી આપી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૧
વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી યુવતીએ મુસ્લિમ યુવક સાથે કાયદેસરના નિકાહ કર્યા પછી લગ્નજીવનને (સમાજ તરફથી) જોખમ હોવાનું જણાવતી અરજી સોશિયલ મીડિયામાં ફરતી થઇ છે. જેના પગલે યુવતીઓ પર સમાજ તરફથી કરાતું દબાણ સ્પષ્ટ થઈ રહ્યું છે. પરંતુ પાણીગેટ પોલીસે આવી કોઇ જ અરજી પોલીસને મળી નહીં હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પ્રકાશમાં આવેલો નાગરવાડા વિસ્તારનો કિસ્સો હજી ઠંડો પડયો નથી ત્યારે સોશિયલ મીડિયામાં આ પ્રકારની અરજી ફરતી થતા ચકચાર મચી છે. વાઘોડિયા રોડ વિસ્તારની પુખ્ત વયની યુવતીએ પાણીગેટ પોલીસને ઉદેશીને લખેલી અરજીમાં જણાવ્યું છે કે, હું છેલ્લા ૧૦ વર્ષથી આણંદમાં રહેતા મુસ્લિમ યુવક સાથે પ્રેમસંબંધમાં હતી. જેથી મેં તેની સાથે તા.૧૩-૭-૨૦૨૦ના રોજ વડોદરાના સ્પેશ્યલ મેરેજ અધિકારી સમક્ષ નોંધણી કરાવી છે. અમે બંને પતિ-પત્ની છે અને મારૂ લગ્નજીવન શરૂ કરવા માટે હું પતિ સાથે જઇ રહી છું.
અમારા લગ્નજીવનમાં કોઇ વિઘ્ન કે બાધ ન આવે અને અમુક લોકો અમારા લગ્નથી નારાજ થઇને કોઇ કાર્યવાહી ન કરે તે માટે હું આ અરજી આપું છું. આ લગ્નજીવનમાં કોઇપણ વ્યક્તિનું દબાણ નથી અને કોઇએ ધાકધમકી આપી નથી. મારા પરિવાર તરફથી કે અન્ય કોઇપણ વ્યક્તિ તરફથી કોઇપણ જાતની અરજી આવે કે અન્ય કાર્યવાહી થાય તો આ અરજીને મારૂ નિવેદન સમજી લેવું.
આ અરજી અંગે પાણીગેટ પી.આઇ. પી.એસ. કોલચાને પૂછતા તેમણે આવી કોઇ અરજી મળી નહીં હોવાનું જણાવ્યું છે. જોકે યુવતી તરફથી પોલીસ મથકે તેમજ કમિશનર કચેરીને પણ અરજી આપી હોવાનું જાણવું મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નાગરવાડા વિસ્તારના બનાવમાં પણ યુવતી પુખ્ત હોવા છતાં તેને કાઉન્સેલિંગના નામે શહેર બહાર સબાંધીને ત્યાં મોકલી આપી યુવક સાથે સંપર્ક થઈ દૂર રાખી યુવતીનું બ્રેન વોશ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેમ યુવક તરફના નજીકના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.