(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૩
લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને નવરાશના સમયનો સદુપયોગ કરીને આણંદ પાસેના મોગરી ગામના માત્ર ૧૨ ધોરણ સુધી ભણેલા યુવકે પોતાની આગવી કોઠાસુજથી જૂની બાઇકના એન્જિનનો ઉપયોગ કરી સંશોધન દ્વારા મીની ટ્રેક્ટરનું નિર્માણ કર્યું છે જેનો ખેતીના વિવિધ કામોમાં ઉપયોગ કરી શકાય છે. આ યુવકએ સાચા અર્થમાં આત્મ નિર્ભરનાં સંદેશને સાકાર કર્યો છે.
આણંદના મોગરી ગામના અને મોબાઈલ રીપેરીંગની દુકાન ધરાવતા માત્ર ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કરનાર હિરેનભાઈ જીતુભાઇ પટેલએ હાલમાં લોકડાઉનનાં સમયનો સારો ઉપયોગ કરી પોતાની આગવી કોઠાસૂઝથી મીની ટ્રેક્ટરનું નિર્માણ કર્યું હતું.
હિરેન પટેલએ જુનાં બાઇકના એન્જિનમાંથી માત્ર ૫૦ હજારના ખર્ચમાં બનાવ્યું છે આ મીની ટ્રેક્ટર અંગે હિરેનભાઈએ વધુમાં કહ્યું હતું કે, ટ્રેકટરમા ંમોબાઈલ ચાર્જર, સાઉન્ડ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જે નાના ખેડૂતો માટે ખુબજ ઉપયોગી છે, તેમજ જે ખેડૂતોને ટ્રેકટર ચલાવતા નથી આવડતું તેવા ખેડૂતો માટે તેઓ ટૂંક સમયમાં રિમોટથી સંચાલન કરી શકાય તેવી સિસ્ટમ ટ્રેકટરમાં ફિટ કરશે આ મીની ટ્રેકટર હાલમાં મોગરી ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આજથી એક વર્ષ પૂર્વે હિરેને પોતાના ભાઈ સાથે મળી સ્કૂટરના એન્જિનમાંથી મીની જીપનું પણ નિર્માણ કર્યું હતું , જો તેઓને કોઈ સ્ટાર્ટઅપ કરનાર મળી જાય તો મોટા પાયે મીની ટ્રેકટર ખૂબ જ સસ્તામાં બનાવી શકાય જે નાના ખેડૂતો સહેલાઈથી ખરીદી શકે છે.