(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨
આણંદ તાલુકાના વ્હેરાખાડી ગામે પાસે આવેલા ઓવરબ્રિજ ઉપર પૂરપાટ ઝડપે જતી મોટરસાયકલના ચાલકએ મોટરસાયકલ પરથી કાબૂ ગુમાવતા મોટરસાયકલ ઓવરબ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા મોટરસાયકલ પર સવારે બે બાળકીઆને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મળતી વિગતો અનુસાર, સારસા વાંટા ગામે રહેતા મેહુલકુમાર સુરેશભાઇ વાળંદના મામા જગદીશભાઈ ગોરધનભાઈ પારેખ આજે સવારે સાત વાગે પોતાની પત્ની જલ્પાબેન, દીકરી નવ્યા (ઉ.વ.૭) દીકરી દિયા (ઉ.વ.૫) અને પુત્ર રૂદ્રને લઈ મોટરસાયકલ પર કોસીન્દ્રા ગામેથી તેમના સાસરી સનાદરા ગામે જવા નીકળ્યા હતા. સવારે સાત વાગ્યાના સુમારે તેઓ પોતાની મોટરસાયકલ લઈને વાસદ- વ્હેરાખાડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઓવરબ્રિજના વળાંકમાં સામેથી ડમ્પર આવતા જગદીશભાઈ ગભરાઈ જતાં તેઓએ મોટરસાયકલ પરથી કાબૂ ગુમાવતા મોટરસાયકલ ઓવરબ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા જગદીશભાઈ તેમની પત્ની અને ત્રણેય બાળકો રોડ પર પટકાયા હતા જેમાં દીકરી નવ્યાને માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત થયુ હતું અને ઘાયલ દિયાનુું સારવાર દરમ્યાન મોત થયું હતું. જ્યારે જગદીશભાઈને ડાબા હાથે ફ્રેક્ચર થયાનું બહાર આવ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં દીકરા રૂદ્રનો આબાદ બચાવ થયો હતો, આ બનાવ અંગે ખંભોળજ પોલીસે ગુનોે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.