(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૬
આણંદ શહેરની અપરા હોસ્પિટલમાં કોરોનાના દર્દીની ઓક્સિજનની પાઈપ નીકળી જતા દર્દીએ બેલ મારવા છતાં સ્ટાફે દર્દીને જોવાની બેદરકારી દાખવતા ઓક્સિજનનું લેવલ ઘટી જતા દર્દીનું આજે સવારે મોત નિપજ્યું હતું. જેને લઈને હોસ્પિટલના સ્ટાફની બેદરકારી સામે દર્દીના સગાઓએ ભારે હોબાળો મચાવી બેદરકારી દાખવનાર સ્ટાફ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી. આ અંગે હોસ્પિટલના તબીબે બેદરકારી દાખવનાર સ્ટાફ સામે પગલાં ભરવાની હૈયાધારણા આપી છે. મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં શુભલક્ષ્મી કોમ્પલેક્ષમાં આવેલી અપરા હોસ્પિટલમાં આજથી ૧૪ દિવસ પૂર્વે બોરીઆવી ગામના કોરોના પોઝિટિવ દર્દી ભુપેન્દ્ર ઈશ્વરભાઈ પટેલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં આઈસીયુમાં સારવાર આપ્યા બાદ તેઓને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓને ઓક્સિજનનું લેવલ ઘટતું હોય તેમજ ઓક્સિજન મેન્ટેન ન થતા તેઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા અને તેઓની સ્થિતિ સુધારા પર હતી. પરંતુ આજે સવારે તેઓના ઓક્સિજનની પાઈપ કોઈ રીતે નીકળી જતા દર્દીએ બેલ મારીને હોસ્પિટલ નર્સીંગ સ્ટાફને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં કોઈ સ્ટાફ નહીં આવતા તેમની સ્થિતિ વધુ બગડતી હોય તેઓએ પોતાના ઘરે ફોન કરી પોતાની ઓક્સિજનની પાઈપ નીકળી ગઈ હોય તેઓને તકલીફ પડતી હોવાનું જણાવી આ અંગે હોસ્પિટલના સ્ટાફને તાત્કાલિક જણાવવા કહ્યું હતું. જેથી તેમના સંબંધી પીનલબેન નીલેશભાઈ પટેલ અને કીરણભાઈ મગનભાઈ પટેલે હોસ્પિટલના રિસેપ્શન સહિત જુદા-જુદા નંબરો પર ફોન કરવા છતાં કોઈએ ફોન રિસિવ કર્યા ન હતા અને તે દરમિયાન ઓક્સિજનનું લેવલ ઘટી જવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ તેઓના સંબંધીએ હોસ્પિટલમાં કાર્યરત અન્ય સંબંધીને ફોન કરીને જણાવ્યા બાદ હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટર અને નર્સ ભુપેન્દ્રભાઈની તપાસ કરવા જતા તેઓનું મોત નિપજ્યું હોવાનું જણાયું હતું. આ ઘટનાની જાણ ભુપેન્દ્રભાઈના પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગે ભુપેન્દ્રભાઈના કાકાસસરા કીરણભાઈ મગનભાઈ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે ભુપેન્દ્રભાઈનું મોત નીપજ્યું છે. આ અંગે હોસ્પિટલના તબીબ ડૉક્ટર અજય કોઠિયાલાએ જણાવ્યું હતું કે દર્દીની ઓક્સિજનની નળી નીકળી જતા હોસ્પિટલના સ્ટાફે દર્દીને અટેન્ડ કરવાની બેદરકારી દાખવી છે અને જેના કારણે દર્દીનું મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને બેદરકારી દાખવનાર નર્સિંગ સ્ટાફ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ દર્દીના સંબંધીઓના રોષ સાથે પોતે સહમત હોવાનું જણાવ્યું હતું અને આ સમયે ફરજ પર પાંચ નર્સિંગ સ્ટાફ હાજર હતો. જેઓની તપાસ કરી તેઓની વિરૂદ્ધમાં પગલા ભરવાની હૈયાધારણ આપી હતી.