(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૮
આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં ભેટાસીની ગંભીર દર્દીએ માત્ર ચાર દિવસમાં જ સઘન સારવાર બાદ કોરોનાને મ્હાત આપી નવજીવન મેળવતા આજે આ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા મહિલા દર્દીએ હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. મળતી વિગતો અનુસાર આંકલાવ તાલુકાના ભેટાસી ગામના વર્ષાબેન જીતસિંહ પરમાર ઉ.વ. ૪૪ ને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા અને તેઓનું ઓક્સિજન લેવલ ઘટતું જતા તેઓને આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અને અહીયા તેઓનું ઓક્સિજન લેવલ ૭૦ ઉપર પહોંચી ગયું હતું. જેથી દર્દીને વેન્ટીલેટર ઉપર મુકવું જરૂરી હતું. જેથી હોસ્પિટલના તબીબે તેઓને અન્ય વેન્ટીલેટર સુવિધાવાળી હોસ્પિટલમાં લઈ જવા સલાહ આપી હતી. પરંતુ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ સહિત મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફુલ હતા. જેના કારણે દર્દીના સગાઓએ હોસ્પિટલના મુખ્ય તબીબી આરોગ્ય અધિકારી ડૉ. અમર પંડ્યાને મહિલાની સારવાર માટે જણાવી તેઓની અહીયા જ સારવાર કરવા સંમતિ આપી હતી. અને ડૉ. અમર પંડ્યા, ડૉ. મયંક ચૌહાણ અને તેમની ટીમે મહિલાની સઘન સારવાર કરતા મહિલાનું ઓક્સિજન લેવલ સુધર્યું હતું અને બહારથી ઓક્સિજન આપ્યા વિના પણ મહિલાનું ઓક્સિજન ૯૯ એ પહોંચ્યું હતું. આમ મહિલા સઘન સારવાર બાદ સંપુર્ણ સ્વસ્થ થઈ હતી.
આ અંગે હોસ્પિટલના મુખ્ય તબીબી આરોગ્ય અધિકારી ડૉ. અમર પંડ્યાએ જણાવ્યું હતું કે આ મહિલા દર્દીને રેમડેસીવર ઈન્જેકશન આપવામાં આવ્યું નથી. અને રેમડેસીવરના ઉપયોગ સિવાય જ મહિલા સ્વસ્થ થઈ છે. જેથી તેઓએ તમામ તબીબોને પણ અપીલ કરી હતી કે ખૂબ જ ગંભીર સ્થિતિ હોય તો જ રેમડેસીવરનો ઉપયોગ કરવો અને દર્દીના સગાઓએ પણ રેમડેસીવર ઈન્જેકશન માટે દોડાદોડી કરવી નહી. વર્ષાબેનને ૨૨મી એપ્રિલના રોજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અને તેઓને દૈનિક ૧૫ લીટર ઓક્સિજનની જરૂર પડતી હતી અને ૧૫થી ૨૫ લીટર સુધી ઓક્સિજન આપી તેઓની સઘન સારવાર કરતા તેઓ રીકવર થઈ સ્વસ્થ થયા હતા. અને તેઓએ તા. ૨૭ એપ્રિલ સુધીમાં સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરી હતી.
Recent Comments