(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૭
આણંદ શહેરમાં સો ફુટ રોડ ઉપર આવેલી બંધન બેંકમાં ગત ૨૩મી ફેબ્રુઆરીએ ત્રણ અજાણ્યા લુંટારૂએ બેંકના ચાર કર્મચારીઓને બંધક બનાવી વોલ્ટરૂમમાંથી ૮૮.૯૭ લાખની લૂંટ ચલાવી હતી. જે ગુનામાં આણંદની એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટ કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેઓની પાસેથી લૂંટમાં ગયેલી રકમ અને બે કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં સો ફુટ રોડ ઉપર આવેલી બંધન બેંકમાં ગત ૨૩મી ફેબ્રુઆરીના રોજ સવારે ૯ઃ૩૦ વાગ્યાના સુમારે ત્રણ અજાણ્યા લૂંટારૂઓએ ત્રાટકીને ચાર બેંક કર્મચારીઓને છરો અને તમંચો બતાવી બંધક બનાવી વોલ્ટરૂમમાં પુરી દઈ તેઓની પાસેથી વોલ્ટરૂમના લોકરની ચાવીઓ મેળવી ૮૮.૯૭ લાખની રોકડ રકમની લૂંટ ચલાવી ત્રણેય લૂંટારૂઓ ભાગી છુટ્યા હતા.
આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.બી. ચૌહાણ સહિત એલસીબી ટીમે લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેઓની પાસેથી લૂંટની રકમ કબ્જે કરી છે. તેમજ તેઓ પાસેથી લૂંટમાં વપરાયેલ ઘાતક હથીયાર તેમજ લૂંટારૂઓ લૂંટ કર્યા બાદ જે વાહનમાં ભાગી છુટ્યા હતા. તે કાર સહિત બે કાર પણ કબ્જે કરી છે.
આ ગુનામાં સંદિપભાઈ ચિમનભાઈ પંચાલ રહે,લાંભવેલ શ્રીવિહાર સોસાયટી, પ્રફુલભાઈ ચિમનભાઈ પંચાલ રહે,લાંભવેલ શ્રીવિહાર સોસાયટી, રફીક અશરફભાઈ મલેક રહે,મૂળ સિહોલ હાલ રહે,સલાટીયા ફાટક, મોહંમદી સોસાયટી આણંદની લૂંટનાં ગુનામાં ધરપકડ કરીને તેઓની પાસેથી બે કાર, ત્રણ મોબાઈલફોન અને ૮૪,૪૯,૩૫૦ રૂપિયાની રોકડ રકમ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.