(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૦
આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન બી.એ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા કૃષિ સંબંધિત કાર્ય માટે નિયત કરાયેલા રોજમદાર શ્રમિકો પાસે કામ કરાવ્યા બાદ છેલ્લા ૧૫ દિવસથી વેતન ચુકવવામાં નહી આવતા આજે રોજમદાર શ્રમિકોએ યુનિવર્સિટી ભવન સામે હોબાળો મચાવીને વેતન ચુકવવાની માંગ કરી હતી.
મળતી વિગતો અનુસાર આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વિવિઘ વિભાગોમાં કૃષિ સંબધીત કાર્યો માટે આસપાસનાં શ્રમિકોને રોજમદાર ધોરણે મજુરી માટે બોલાવવામાં આવે છે, અને તેની નિર્ધારીત મજૂરી ચુકવવામાં આવે છે, પરંતુ બી.એ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ગત ૧૬મી એપ્રીલથી ૩૦ એપ્રીલ સુધીનું વેતન ચુકવવામાં નહીં આવતા રોજમદાર શ્રમિકો દ્વારા યુનિહિર્સટીનાં કુલપતીનાં કાર્યાલય સામે હોબાળો કરી ધરણા કરી વેતનનાં મુદ્દે હોબાળો કર્યો હતો.
આ અંગે કૃષિ યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર આર. વી.વ્યાસે જણાવ્યું હતું કે સરકારના પરિપત્ર મુજબ શ્રમિકોને નાણાં ચુકવાય છે પરંતુ આ વખતે નવા પરિપત્ર આવ્યા બાદ તેનો અમલ કરવાનો હોવાથી ૧૫ દિવસથી નાણાં આપ્યા નથી પરંતુ ટુંક સમયમાં આપી દેવામાં આવશે.