(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૩
આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે ભારે વાહન વ્યવહારના કારણે થતી ટ્રાફિકજામની સ્થિતિ નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા બોરસદ ચોકડી પાસે ફ્લાય ઓવર બ્રીજ મંજૂર કરાતા ૫૨૮૬.૨૯ લાખના ખર્ચે નિર્માણ થનારા બ્રીજનું આજે સાંસદ મિતેષ પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું તેમજ ઝારોલા પાસે ૧૭૩૦ લાખના ખર્ચે નિર્માણ થનારા ફ્લાય ઓવર બ્રીજનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ અંગે સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વિકટ બની રહી છે. ત્યારે સરળ વાહન વ્યવહાર માટે અહીયા ફ્લાય ઓવર બ્રીજ નિર્માણ કરાશે અને જેનાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે. આ પ્રસંગે આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, કાઉન્સિલર હીમેશભાઈ મુખી, સ્વપનીલ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.