આણંદ, તા.ર૦
આણંદની સબજેલમાં કાચા કામનાં કેદીનું શંકાસ્પદ મોત થતા ખળભળાટ મચી જવા પામી હતી.
આણંદ નજીક નેશનલ હાઈવે પર ગત ૧૧મી સપ્ટેમ્બરનાં રોજ ગામડી ગામે રહેતા રાહુલ ભરવાડ અને તેનાં ભાઈ જગદીશએ ભરતભાઈની લારી પર જઈને તુ સસ્તાભાવે સિમેન્ટ વેચીને ભાવ શા માટે બગાડે છે તેમ કહી ઝધડો કરી ભરતભાઈ તેમજ વચ્ચે છોડાવવા પડેલી ભરતભાઈની દિકરી ચંપાબેનને લાકડીઓ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આ બનાવ અંગે ભરતભાઈએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી જેથી આણંદ ટાઉન પોલીસ મથકની ગામડી ચોકી પોલીસે ગઈકાલે રાહુલ ભરવાડ અને તેનાં ભાઈ જગદીશ ભરવાડની ધરપકડ કરીને સાંજે જયુડીશયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરતા ચીફ કોર્ટનાં જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એમ.એસ બાકીએ બન્ને જણાને કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો હતો,જેને લઈને પોલીસે બન્ને આરોપીઓનું મેડીકલ કરાવ્યા બાદ તેઓને આણંદની સબજેલમાં લઈ જવામાં આવતા જયાં હતાં.
સબજેલમાં રાહુલ ભરવાડને બેરેક નં.૭માં અન્ય કેદીઓ સાથે રાખવામાં આવ્યો હતો. ગત રાત્રે જમી પરવારીને રાહુલ અન્ય કેદીઓ સાથે બેરેકમાં સુઈ ગયો હતો અને આજે સવારે તે નહી ઉઠતા અન્ય કેદીઓ દ્વારા તેને ઉઠાડવાનો પ્રયાસ કરતા તેનું મોત નિપજયું હોવાનું જણાતા કેદીઓ દ્વારા આ બાબતે જેલગાર્ડને જાણ કરતા જેલગાર્ડ દ્વારા જેલરને જાણ કરવામાં આવતા જેલર સબજેલમાં દોડી આવ્યા હતા તેમજ ડીવાયએસપી સહીતનો પોલીસ કાફલો પણ ધટના સ્થળે દોડી આવ્યો હતો,
મૃતક રાહુલ ભરવાડનાં પરિવારજનોએ મૃત્યુ અંગે શંકા વ્યકત કરતા હોબાળો મચ્યો હતો. પોષ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેઓનાં પરિવારજનોને સુપ્રત કરાયો હતો.
આણંદનાં ડીવાયએસપી બી ડી જાડેજાએ જણાવ્યું હતું કે મૃતક રાહુલનાં મૃતદેહ પર બાહ્ય ઈજાનાં કોઈ નિશાન દેખાતા નથી જેનાં કારણે પ્રાથમિક તબક્કે તેનું કુદરતી મોત થયું હોવાનું અનુમાન થઈ રહ્યું છે. જો કે મૃત્યુનું સાચુ કારણ તો પેનલ ડોકટરો દ્વારા કરાયેલા પોષ્ટમોર્ટમનાં અહેવાલ બાદ જ જાણી શકાશે.