(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૭
મહિલા શક્તિનો ભંડાર છે, મહિલા પોતાનાં મક્કમ નિર્ધારથી લક્ષ્યાંકને સિદ્ધ કરવાની શક્તિ ધરાવે છે, ત્યારે આણંદની સલમા વ્હોરાએ નિમ્ન મધ્યમવર્ગમાંથી આવતી હોવા છતાં સખ્ત મહેનત દ્વારા રમત ગમત ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી અનેક મેડલો અને એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, અને નારી શક્તિનું ઉદાહરણ પુરૂં પાડયું છે.
આણંદ શહેરમાં ઈલોરા પાર્ક સોસાયટીમાં રહેતી સલમા વ્હોરાનાં પિતા સારા ક્રિકેટર હતા. તેણીનાં પિતાનાં પ્રોત્સાહનથી તે શાળા કક્ષાએથી જ રમત ગમતમાં રસ દાખવતી હતી અને તેણી વર્ષ ૨૦૦૦થી વર્ષ ૨૦૧૫ સુધી બરછી ફેંકમાં સતત ૧૫ વર્ષ સુધી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સ્ટેટ ચેમ્પીયન રહી હતી, અને આટલા વર્ષો સુધી સ્ટેટ ચેમ્પિયન રહેવાનો તેનો એક રેકોર્ડ છે, તેમજ તેણીએ વર્ષ ૨૦૧૦થી લઈને વર્ષ ૨૦૧૯ સુધીમાં ખેલ મહાકુંભમાં ૧૫ મેડલ પ્રાપ્ત કર્યા છે. તેણીને તેની વિશિષ્ઠ ખેલકુદ ક્ષેત્રે સિદ્ધીઓ બદલ વર્ષ ૨૦૦૭માં રાજય સરકાર દ્વારા જયદીપસિંહ બારીયા એવોર્ડ એનાયત કરાયો હતો. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ તેનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
સલમા વ્હોરાએ વર્ષ ૨૦૦૨માં ઓલ ઈન્ડિયા રૂરલ એથ્લેટીકસમાં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો, તેમજ તેણીએ ૨૦૦૭માં વેસ્ટ ઝોન મહિલા રણજી ક્રિકેટ મેચ રમી હતી અને ત્યારબાદ ૨૦૦૯ અને ૨૦૧૨માં પણ ક્રિકેટ મેચમાં ઝળહળતી સફળતા મેળવી હતી. વોલીબોલ ક્રિકેટમાં રાષ્ટ્રીય કક્ષાએ રમનાર દ્વિતીય ખેલ મહાકુંભમાં બરછી ફેંક સ્પર્ધામાં ૩૬.૨૬ મીટર દૂર બરછી ફેંકી ગુજરાત રાજ્ય કક્ષાએ નવો રેકોર્ડ સ્થાપ્યો હતો.
અત્યાર સુધીમાં સલમા વ્હોરાએ ખેલક્ષેત્રમાં અનેક સિદ્ધીઓ હાંસલ કરી છે. વર્ષ ૨૦૧૨માં સ્પોર્ટસ કવોટામાં તેણીને રેલ્વે મેલ સર્વિસમાં નોકરી મળી અને ત્યારબાદ તેણીએ પોતાનાં ડિપાર્ટમેન્ટ દ્વારા ઓલ ઈન્ડિયા પોષ્ટલ ટુર્નામેન્ટમાં ૨૦ મેડલ તેમજ વિવિધ રાજયોમાં યોજાતી ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસ એથ્લેટીકમાં પણ ૨૦૧રથી ૨૦૧૯ દરમિયાન બરછી ફેંકમાં ભાગ લઈને ૭ સુવર્ણ ચંદ્રક મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમજ તેણીએ એલીકોન વુમન ટ્રોફી પણ પ્રાપ્ત કરી હતી. સલમાએ ગુજરાત યુનિ.માંથી એમ.પી.એડ પરીક્ષામાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. તેણી ઔદ્યોગિક ગૃહોના પરીવારની મહિલાઓને તેમની ફિટનેસ અને ફીગર મેઇન્ટેન કરવા માટે ખેલ પ્રશિક્ષણ અને જીમ ટ્રેનર તરીકે સેવાઓ આપેલી છે. તેણીએ એમ ફીલ સુધીનો અભ્યાસ કરેલો છે.
તેણીએ કહ્યું હતું કે, સમાજમાં લોકો ખેલકૂદ ક્ષેત્ર આગળ આવે અને સ્વસ્થ તંદુરસ્તીભર્યુ જીવન જીવે તેમજ આવનાર પેઢી રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે તે પોતાના સમાજના બાળકોને રમતગમત ક્ષેત્રે તાલીમ આપવાની ખેવના ધરાવે છે. દિવસમાં પાંચ વખત નમાજ પડી ખુદાની બંદગી કરનાર અને અલ્લાહમાં અપાર શ્રદ્ધા ધરાવનાર સલમા તેના કુટુંબના અને આસપાસના ગરીબ અને પછાત વિસ્તારના બાળકોને શ્રેષ્ઠ રમતવીર બનાવવાનું સ્વપ્ન સેવી રહી છે.
તેણીએ કહ્યું હતું કે, ખેલકૂદ અને રમતનું મેદાન ખેલાડીને ઘણું શીખવે છે. જેમાં વિકટ અને કઠીન પરિસ્થિતિમાં પડકાર સામે ઝઝુમીને સફળતા હાંસલ કરવાની તાલીમ રમતગમતમાંથી જ મળે છે. ધૈર્ય સહનશીલતા અને પરાજયોને પચાવીને સફળતા મેળવવાનું કૌશલ્ય ખેલકુદના મેદાન પરથી પ્રાપ્ત થાય છે.