(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૮
આણંદ શહેરમાં વ્યાયામ શાળા મેદાન ખાતે યોજાયેલી બેઠકમાં આશા વર્કરો અને આશાવર્કર અને ફેસીલીટેટરોની વિવિધ માંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત જનતા જાગૃતિ મંચનાં મહિલાવીંગનાં કન્વીનર ચંદ્રીકાબેન સોલંકીએ જણાવ્યું હતુું કે, કોરોનાં મહામારીનાં કપરા સમયમાં આશાવર્કર અને ફેસીલીટેટર સહિતનાં કોરોનાં વોરીયર્સ બની જનતાને કોરોનાં મહામારીથી બચાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા તેઓને સન્માનિત કરવાનાં બદલે તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આશા વર્કરોને માત્ર ૩૩.૩૩ રૂપિયા અને ફેસીલીટેટરને માત્ર ૧૭ રૂપિયા જેટલું નજીવી વેતન ચુકવવામાં આવે છે અને અન્યાય કરવામાં આવી રહ્યો છે, મહિલાઓને માસિક ફિકસ વેતન મળતું ના હોઈ બિમારી તેમજ માતૃત્વ ધારણ કરવાનાં પ્રસંગોમાં તેમની આવક બંધ થઈ જતી હોય છે, જેનાં કારણે પારાવાર હાલાકી અનુભવવી પડે છે.
ચંદ્રીકાબેન સોલંકી અને મહિલા આશાવર્કરો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને આશાવર્કર અને ફેસિલીટેટરનું રેગ્યુલર મહેકમ ઉભું કરી તેઓને કાયમી કરવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત જનતા જાગૃતિ મંચનાં પ્રમુખ રજનીકાંત ભારતીય પણ ઉપસ્થિત રહ્યા હતા.