(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૯
પવિત્ર રમજાન ઈદ આડે હવે ચાર દિવસ બાકી રહ્યા છે, અને ચોથા લોકડાઉન વચ્ચે રમજાન ઈદ આવી રહી છે, ત્યારે આણંદ ટાઉન પોલીસ મથક ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી,જેમાં પોલીસ દ્વારા મુસ્લિમ સમાજને લોકડાઉનનો પાલન કરતા ઘરમાં જ રહીને ઈદની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં આણંદ ટાઉન પોલીસ મથકનાં પી.આઈ વાય આર ચૌહાણએ તમામ મુસ્લિમ અગ્રણીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, લોકડાઉનનો ચોથા તબક્કામાં જયારે રમજાનઈદનું પર્વ આવી રહ્યું છે. ત્યારે કોરોનાં સંક્રમણને રોકવા માટે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અને ઈબાદત પોત પોતાનાં ઘરમાં જ કરવા તેમજ ઈદની ઉજવણી પોત પોતાનાં પરિવાર સાથે કરવા તેમજ લોકડાઉન અને સોસ્યલ ડીસ્ટન્સનો કડક અમલ કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જમીયતે ઉલેમાએ હિંદનાં જનરલ સેક્રેટરી એમ જી ગુજરાત, ગામડીનાં સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા, હાડગુડ ગામનાં સરપંચ રઝીયાબાનું દિવાન, સરવર ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ યાવરહુશેન ઠાકોર, મુસ્લિમ વેલ્ફેર કમીટીનાં પ્રમુખ ઐયુબખાન પઠાણ, ઉપપ્રમુખ બીસ્મીલ્લાખાન પઠાણ, અગ્રણી વહેપારી સુમનભાઈ પટેલ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ રમઝાન ઈદ પર્વ લોકડાઉનનાં પાલન સાથે ઉજવણી કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.