(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૯
હિમાચલ પ્રદેશ, કાશ્મીર સહિતના ઉત્તરપુર્વીય રાજયોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ઠંડા બર્ફીલા પવનો ફુંકાતાં આણંદ શહેર સહીત જીલ્લાભરમાં કાતીલ ઠંડીનાં સપાટા સાથે શીયાળાની મોસમ જામી છે ત્યારે આજે છેલ્લા ૨૪ કલાકમાં ૬ ડીગ્રી તાપમાન ગગડી જતા આજે વહેલી સવારે તાપમાનનો પારો ૧૦ ડીસે પર ઉતરી જતાં કાતીલ ઠંડીનું મોજુ છવાઈ ગયું હતું અને જેને લઈને શ્રમીક પરીવારો કફોડી સ્થીતીમાં મુકાઈ જવા પામ્યાં હતાં. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સવારે નોંધાયેલા તાપમાન અનુસાર મહત્તમ તાપમાન ૨૬.૫ ડીસે, લઘુતમ તાપમાન ૧૦ ડીસે, હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા, પવનની ગતિ પ્રતિ કલાક ૩.૮ કિ.મી. અને દિશા ઉત્તર-પુર્વીય નોંધાઈ છે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તાપમાનનો પારો નીચો રહેેશે અને કાતિલ ઠંડી વધુ કાતિલ બનશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આણંદ શહેરમાં કાતીલ ઠંડીના કારણે ગરીબો, શ્રમીકો અને ભીક્ષુકોની હાલત કફોડી થાય છે ત્યારે તેઓને ઠંડી સામે રક્ષણ મળે તે માટે મહાવીર ઝુંપડપટ્ટી પાસેની ખુલ્લી જગ્યામાં નગરપાલિકા દ્વારા રેનબસેરાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને મોટાભાગનું કામ પુર્ણ થઈ ગયું છે તેમજ હંગામી ધોરણે તુલસી ગરનાળા પાસે આવેલ કોમ્યુનિટી હોલમાં રેન બસેરા બનાવવામાં આવ્યું છે અને નગરપાલિકાના અર્બન ડેવલોપમેન્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા ફુટપાથ પર અને ખુલ્લામાં સુઈ રહેતા શ્રમિકોને આ રેન બસેરામાં આશ્રય લેવા માટે અપીલ કરવામાં આવી છે. અહીયા ગાદલા, ઓશીકા, રજાઈ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે.