(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૧
આણંદ શહેરમાં ગોપી સિનેમા સામે આવેલી ઈન્દિરાનગરીમાં ગત રાત્રીના ૯ વાગ્યાના સુમારે કૂતરૂં કરડવા બાબતે બે પરિવારો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને બંને પરિવારો સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં એક કાર અને એક રિક્ષાને પણ નુકસાન થયું છે તેમજ ૮ વ્યક્તિઓ પથ્થરમારામાં ઘાયલ થઈ હતી. ઘટનાની જાણ થતાં આણંદ ટાઉન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મામલો કાબૂમાં લીધો હતો.
આ બનાવ અંગે આણંદ શહેરમાં ગોપી સિનેમા સામે અક્ષરફાર્મ રોડ ઉપર આવેલી ઈન્દિરાનગરીમાં રહેતા નાનજીભાઈ દેવજીભાઈ વસાવાની સાળી પાયલને નજીકમાં રહેતા ઈમ્તિયાજભાઈ ઈભુભાઈ વ્હોરાએ આવી કહ્યું હતું કે, મારા ઘરમાં લગ્ન છે અને તમારૂં કૂતરૂં કરડી ગયું તેમ કહેતા પાયલે કહ્યું હતું કે, અમારૂં કૂતરૂં કરડ્યું નથી. જેથી ઈમ્તિયાજ ઈભુભાઈ વ્હોરા, મોહસીન, રિયાજભાઈ અને વસીમભાઈ સહિત ચાર જણાએ ઉશ્કેરાઈ જઈ પથ્થરમારો કર્યો હતો, જેમાં નાનજી દેવજીભાઈ વસાવા, આરીફ કાસમભાઈ વ્હોરા, મનીષા શંકરભાઈ વસાવા, રાગીણી હરીશભાઈ તડવી, વિજય પુનમભાઈ વસાવા સહિત છ જણાને ઈજાઓ પહોંચી હતી. જેથી આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે નાનજી દેવજીભાઈ વસાવાની ફરિયાદના આધારે ઈમ્તિયાજ ઈભુભાઈ વ્હોરા, મોહસીન ઈભુભાઈ વ્હોરા, રિયાજ ઈભુભાઈ વ્હોરા, વસીમ ઈભુભાઈ વ્હોરા સહિત ચાર જણા વિરૂદ્ધ ઈપીકો કલમ ૩૩૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) અને એટ્રોસિટી એક્ટ કલમ ૩(૨), ૫(અ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જ્યારે સામાપક્ષે ઈબ્રાહીમભાઈ ઉર્ફે ઈભુ ઈસ્માઈલભાઈ વ્હોરાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના સાળા મુખ્તયારભાઈના દીકરાના લગ્ન હોઈ મહેમાનો જમી રહ્યા હતા. ત્યારે બાજુમાં રહેતા સંજયભાઈ કૂતરા પાળતા હોય તેઓના કૂતરા મહેમાનોને કરડે નહીં તે માટે ધ્યાન રાખવાનું કહેતા રાજુભાઈ, આરીફભાઈ, નાનજીભાઈ વસાવા અને નરેશભાઈ સહિત ચાર જણાએ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી ઝઘડો કરી પથ્થરમારો કરતા જેમાં ઈભુભાઈ, મુખ્તયારભાઈ અને સત્તારભાઈને ઈજાઓ પહોંચી હતી. જેથી આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે ઈબ્રાહીમભાઈ ઉર્ફે ઈભુ ઈસ્માઈલભાઈ વ્હોરાની ફરિયાદના આધારે રાજુ, આરીફ, નાનજી વસાવા, નરેશ સહિત ચાર જણા વિરૂદ્ધ ઈપીકો કલમ ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.