(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૫
આણંદ શહેરમાં પાધરીયા વિસ્તારમાં રહેતા અને નગરપાલિકાની ટ્રાન્સપોર્ટ વિભાગમાં ફરજ બજાવતા શહેરમાં પ્રથમ કોરોનાં પોઝિટિવ દર્દી તરીકે નોંધાયેલા મુખ્યતારખાન પઠાણ ૨૦ દિવસ સુધી કોરોના સામેનાં યુધ્ધમાં વિજય થઈ સ્વસ્થતા પ્રાપ્ત કરતા હોસ્પિટલનાં તબીબી સ્ટાફએ તેઓનું તાળીઓનાં ગડગડાટ સાથે અભિવાદન કર્યું હતું. તેમજ તેઓ પોતાનાં ઘરે પહોંચતા સમગ્ર વિસ્તારનાં લોકોએ તેઓનું અભિવાદન કરી સ્વાગત કર્યું હતું, તેમજ આણંદની જનરલ હોસ્પિટલમાંથી ખંભાતની કોરોના પોઝિટિવમાંથી બહાર આવી સ્વસ્થ થનાર મહિલાને પણ વિદાય આપવામાં આવી હતી.
આણંદ શહેરનાં પાધરીયા વિસ્તારમાં રહેતા મુખ્તયારખાન પઠાણ (ઉ.વ.૫૪) આણંદ નગરપાલિકાનાં ટ્રાન્સપોર્ટ વિભાગમાં ફરજ બજાવે છે, જેઓને ગત તા.૫મી એપ્રિલનાં રોજ તબીયત લથડતા આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેઓને કોરોનાં પોઝિટિવનાં લક્ષણો જણાતા કોરોનાં સારવાર શરુ કરવામાં આવી હતી, જેમાં તેઓનાં ચાર ચાર દિવસે રીપીટ પરિક્ષણ કરાવતા તેઓનાં ત્રણ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ કોરાનાને મ્હાત આપી વિજયી થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલનાં તબીબી સ્ટાફે તાળીઓનાં ગડગડાટ સાથે અભિવાદન કરી તેઓને વિદાય આપવામાં આવી હતી.
હોસ્પિટલમાં કોરોનાં સામે ૨૦ દિવસનાં યુદ્ધનાં અંતે વિજયી થઈ સ્વસ્થતા પ્રાપ્ત કરી મુખ્તયારખાન ઘરે પરત ફરતા સોસાયટીનાં રહીસો દ્વારા મુખ્તયારખાન પઠાણ પર ફુલો વરસાવીને તેઓનું સ્વાગત કર્યું હતું.
બીજી તરફ આણંદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દી સ્વાતીબેન રાણા (ઉ.વ.૩૦)નો પણ રિપોર્ટ નેગેટીવ આવતાં અને તેઓ કોરોના મુક્ત થતાં જ તેમને પણ હોસ્પિટલમાંથી તાળીઓનાં ગડગડાટ કરી અભિવાદન કરતા હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી.