(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૭
આજે આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં આવેલી એન્ટરપ્રાઈઝ સોસાયટીમાં રહેતા એક પ્રૌઢનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આપતા ચકચાર મચી જવા પામી છે. કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીની બેઠક બોલાવી કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવનાર લોકોની તપાસ કરી તેઓના પરિવારને હોમક્વોરેન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં પાધરીયા વિસ્તારમાં આવેલી એન્ટરપ્રાઈઝ સોસાયટીમાં રહેતા અને આણંદ નગરપાલિકામાં રહેતા ફરજ બજાવતા એક ૫૪ વર્ષીય પ્રૌઢને ત્રણેક દિવસ પુર્વે શ્વાસ લેવાની તકલીફ થતા તેઓને કોરોના વાયરસના લક્ષણો જણાતા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. અને તેઓનો રીપોર્ટ આજે કોરોના પોઝીટીવ આવતા ચકચાર મચી જવા પામી છે.
પ્રૌઢનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓના પરિવારના ૧૦ સભ્યો જાતે જ હોમક્વોરેન્ટાઈન થઈ ગયા છે. જ્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ આજે તેઓના નિવાસસ્થાને જઈ તેઓના પરિવારજનોના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
જ્યારે નગરપાલિકા દ્વારા પણ ટ્રાન્સપોર્ટ ઓફિસ તેમજ તમામ ઓફિસોમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું છે. અને આ કર્મચારીના સંપર્કમાં આવનાર તમામ કર્મચારીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
જ્યારે કોરોના પોઝીટીવ આવતા પહેલા આ કર્મચારી કોને કોને મળ્યો હતો અને ક્યાં ક્યાં ગયો હતો તેમજ તેઓની ટ્રાવેલર્સ હીસ્ટ્રીની પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જ્યારે કોરોના વાયરસના પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. શહેરના નાગરીકોએ પણ કોરોના વાયરસ પોઝીટીવનો પ્રથમ કેસ નોંધાયા બાદ કોરોના સંક્રમને રોકવા માટે તકેદારી અને સંતર્કતા દાખવી ઘરોની બહાર નહી નીકળી લોકડાઉનનો સખ્ત અમલ કરવા માટે અપીલ કરવામાં આવી છે.આણંદ શહેરના પ્રથમ કોરોના પોઝીટીવના દર્દીએ આણંદ શહેરની આઈરીશ હોસ્પિટલમાં પણ પ્રથમ બે દિવસ સારવાર કરાવી હતી અને તેમાં કોરોના લક્ષણો જણાતા તેને વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ દર્દીમાં કોરોના પોઝીટીવ બાદ હોસ્પિટલનું પણ સેનેટાઈઝ કરવામાં આવે તેમજ આ દર્દીની સારવાર માટે સંપર્કમાં આવેલા નર્સ સહિતના કર્મચારીઓને પણ ક્વોરેન્ટાઈન કરવા પડશે.
કોરોના પોઝીટીવ દર્દીના નિવાસસ્થાનની આસપાસનો ૫૦૦ મીટરનો વિસ્તાર ક્વોરન્ટાઈન કરાયો
આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં આવેલી એન્ટરપ્રાઈઝ સોસાયટીમાં રહેતા પ્રૌઢનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા આજે સવારે આણંદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક બી. ડી. જાડેજા સહિતના અધિકારીઓએ તેઓના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. તેમજ મુખ્ય આરોગ્ય અધિકારી એમ. ટી. છારી સહિતના અધિકારીઓ પણ તેમના ઘરે પહોંચ્યા હતા અને પુછપરછ હાથ ધરી હતી. તેમજ તેઓના ઘરથી આસપાસમાં આવેલા ૫૦૦ મીટરના વિસ્તારને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરી આ વિસ્તારમાંથી લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દીધો છે. તેમજ આ વિસ્તારમાં કોઈ કોઈ બહારની વ્યક્તિ અવર જવર કરી શકશે નહી.