(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૩
આણંદ જિલ્લાનાં ખંભાતમાં કોરોનાં પાઝિટિવ સંક્રમણનો ભોગ બનેલા બે બાળકો સહિત પાંચ તેમજ નડીયાદની એક મહિલા સહિત છ જણ કોરોનાને પરાજય આપી સ્વસ્થ થતા તેઓને આજે તાળીઓનાં ગડગડાટ સાથે અભિવાદન કરી શુભેચ્છાઓ સાથે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર ખંભાત શહેરનાં એક જ પરિવારનાં પાંચ સદસ્યો તેમજ નડીયાદની પ્રોઢ મહિલા કોરોનાં પાઝિટિવને મ્હાત આપી સ્વસ્થ થતા તેઓને આજે આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જેમાં ખંભાતનાં આશાબેન એચ રાણા (૩૫ ઉં.વર્ષ), વંશ કેતનકુમાર રાણા (૧૧ ઉં.વર્ષ), ગોપાલદાસ રાણા (૬૦ ઉં.વર્ષ), મીનાક્ષી ડી. રાણા (૨૪ ઉં.વર્ષ), યુવરાજ કે.રાણા (૯ ઉં.વર્ષ) અને નડીયાદનાં ભારતી બેન એમ શાહ (૫૬ ઉં.વર્ષ) સ્વસ્થ થતા હોસ્પિટલનાં તબીબો, નર્સ સ્ટાફ અને વોર્ડ બોય દ્વારા તાળીઓથી વધાવી લેવામાં આવ્યા હતા જે બાદ તેમને ઉષ્માભરી વિદાય આપવામાં આવી હતી.આણંદ જિલ્લામાં કોરોના વાયરસની મહામારીનાં કારણે જિલ્લામાં હાલ પોઝિટિવ કેસોની સંખ્યા ૩૨ સુધી પહોંચી છે.
કલેક્ટર આર.જી. ગોહિલે વિદાય લેતા તમામ દર્દીઓને હજી પણ પોતાના ઘરમાં વધુ ૧૪ દિવસ તબીબોના માર્ગદર્શન મુજબ કાળજી લઈ તેનું પાલન કરવા જણાવ્યું હતું.ફોટો લાઈનઃ આણંદમાં કોરોના સામેનાં જંગમાં સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી વિદાય લેતા દર્દીઓ દૃષ્યમાન થાય છે.