(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૮
આણંદ શહેરમાં કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયા બાદ દર્દીનાં મકાનથી ત્રણ કિલોમીટરની ત્રિજયામાં મેડીકલ સર્વે કરવા માટેે આણંદનાં આરોગ્ય વિભાગની ટીમ આણંદ શહેરનાં ભાલેજ રોડ પર આવેલી અલેફ પાર્ક સોસાયટીમાં જતા સોસાયટીનાં રહીસો દ્વારા મેડીકલ સર્વે માટે ગયેલી ટીમનાં સાત સભ્યો સાથે કેટલીક ગેરસમજને લઈને ધર્ષણ થતા આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જયારે આણંદનાં એમ જી ગુજરાતીએ આ અંગે લોકોએ આરોગ્ય કર્મચારીઓને સહકાર આપવા અપીલ કરી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં પાધરીયા વિસ્તારમાં મંગળવારે કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયા બાદ આ વિસ્તારનાં ત્રણ કિલોમીટરની ત્રીજયામાં આવેલા વિસ્તારમાં મેડીકલ સર્વેલન્સ કરવાનું હોઈ આણંદ આરોગ્ય વિભાગનાં સેનેટરી ઈન્સપેકટર કલ્પેશભાઈ મણીલાલ પટેલ,અન્ય સ્ટાફ સાથે સાત જણાની ટીમ ભાલેજ રોડ પર આવેલા અલેફ પાર્ક, સબીનાં પાર્ક, જવાહર નગર, બિસ્મિલ્લા નગર, રહિમાનગરમાં ડોર ટુ ડોર ફરીને સરદી, ખાંસી તાવ અથવા કોરોનાનો સંકાસ્પદ કેસ હોય તેની તપાસ અને સર્વે માટે નિકળ્યા હતા ત્યારે સોસાયટીમાં રહેતા ૬૦ થી ૭૦ લોકો એકત્ર થઈ ગયા હતા.અને અમારે કસુ લખાવવાનું નથી, તમે અમારી સોસાયટીમાંથી ચાલ્યા જાવ તેમ કહી ગાળો બોલીને આરોગ્ય કર્મચારીઓનાં આઈ કાર્ડ જોઈ તમારા અધિકારીને બોલાવો ત્યાં સુધી તમને અહીયાંથી જવા દઈશું નહી તેમ કહી અસભ્યતાભર્યું વર્તન દાખવી સરકારી ફરજ બજાવતા અવરોધ ઉભો કરતા ટીમે સુપરવાઈઝર કિરણ રાવલને ફોન કરી બોલાવતા તેઓ દોડી આવ્યા હતા અને દરમિયાન ટોળુ ભાગી ગયું હતું.જેથી આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે કલ્પેશભાઈ મણીભાઈ પટેલની ફરીયાદનાં આધારે ૬૦ થી ૭૦ જણનાં ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
થોડા સમય પૂર્વેજ એનઆરપી અને એનઆરસીને લઈને સરકારની ટીમો મુસ્લિમોનાં દસ્તાવેજો મેળવવા આવે છે, તેને કોઈએ આધારકાર્ડ સહીતનાં પુરાવા બતાડવા નહી તેવાં સોસ્યલ મિડીયામાં વાયરલ થયેલા મેસેજોને લઈને આ વિસ્તારનાં લોકો ગેરસમજમાં આવી ગયા હતા અને જેને લઈને આરોગ્ય ટીમ સાથે બોલાચાલી થવા પામી હતી, જે અંગે આણંદ જિલ્લા જમીઅતે ઉલેમાનાં જનરલ સેક્રેટરી એમ જી ગુજરાતીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને કલેકટરનાં આદેશથી મેડીકલ ટીમોે તબીબી સર્વે માટે મુસ્લિમ વિસ્તારોમાં ઘરે ઘરે ફરી રહી છે,ત્યારે આ ટીમો જયારે આપનાં ઘરે આવી આપને ઘરમાં કોઈને શરદી ખાંસી કે તાવ છે? આપનાં ઘરે બહારથી કોઈ આવેલ છે? તેવી પુછપરછ કરશે, ત્યારે કોઈ પણ જાતની શંકા કે કુશંકા રાખ્યા સિવાય પ્રેમપૂર્વક બા અખ્લાક સરકારી કર્મચારીઓને પુરેપુરો સહકાર આપવા અનુરોધ કર્યો હતા.