(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૮
આણંદ શહેરના બાલુપુરામાં અપના બજાર સામે આવેલ એક જવેલર્સની દુકાન પર બપોરના અરસામાં બેઠેલા ગ્રાહકનાં સ્વાંગમાં આવેલા બે અજાણ્યા શખ્સો વૃદ્ધ વેપારીની નજર ચૂકવી દુકાનમાંથી ૨૦૦ ગ્રામના સોનાનાં દાગીનાના બોક્ષની ચોરી કરી ફરાર થઈ જતા આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરમાં બાલુપુરા વિસ્તારમાં અપના બજાર સામે હસ્તીમલ ખેતામલ સોનીની જ્વેલર્સની દુકાન આવેલી છે, આજે બપોરે બે વાગે તેઓ જમીને પરત આવતા તેઓની પુત્રવધુ પણ દુકાનમાંથી ઘરે જમવા જતા હસ્તીમલ દુકાનમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે બપોરના પોણા ત્રણ વાગ્યાના સુમારે આશરે ૪૦થી ૪૫ વર્ષીય યુવાન જેણે માથે ટોપી પહેરી હતી. તે દુકાનમાં આવ્યો હતો. તેણે ગળે પહેરવાનું ચાંદીની ચેઈન માંગી હતી. જે વૃદ્ધ જવેલર્સએ આપતા ગ્રાહકના સ્વાંગમાં આવેલા યુવાને તેની કિંમત ચૂકવી આપી હતી અને ત્યારબાદ આ અજાણ્યા શખ્સનો સાગરીત પર દુકાનમાં આવ્યો હતો અને તેણે સોનાનું ઓહમનું પેન્ડન્ટ ખરીદવાની વાત કરતા વૃદ્ધ જવેલર્સ ઓહમ પેન્ડન્ટનું બોક્ષ સોધી રહ્યો હતો. વૃદ્ધ જવેલર્સની નજર ચૂકવીને ઝુમરવાળી બે ડબ્બી જેનું વજન આશરે ૨૦૦ ગ્રામ થતું હતું. તે કાઢી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા. તેઓએ પોલીસને જાણ કરતા આણંદ ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને દુકાનનાં સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા આવેલા બે શખ્સો પૈકી એક શખ્સ સોનાના દાગીના વાળી ડબ્બી ખીસ્સામાં મૂકતા જણાઈ આવ્યો હતો. જેથી પોલીસે આ બનાવ અંગે અજાણ્યા બે તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.