(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૭
આણંદ શહેર સહિત સમગ્ર રાજયમાં રાજય સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ નહીં કરાતાં અનેક પરિવારો પાયમાલ થઈ રહ્યાં છે. જેના વિરોધમાં આજે આણંદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપી દારૂબંધીના કાયદાનું કડક અમલ કરવા માંગ કરી હતી. નહીં તો મહિલાઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અમુલ ડેરી પાસેથી મહીલાઓની રેલી દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવાનો માંગ સાથે રાજય સરકારની ઢીલી નીતિની વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતાં ગણેશ ચોકડી થઈ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સરલાબેન પટેલ, મહિલા કોંગ્રેસ અગ્રણી ઈશ્વરીબેન શર્મા, મહિલા કાઉન્સિલર સહીદાબેન વ્હોરા, રોશનબેન મેમણ, ડાહીબેન ગોહીલ સહિત મહિલાઓ કલેકટરને આવેદનપત્ર આપી રાજય સરકારે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવી દારૂની બદીને દૂર કરવા અને દારૂનું વેચાણ અટકાવવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર સરકારની મીલીભગતથી તેમનાં મળતીયાઓને આર્થીક લાભ થાય તે માટે દારૂ વેચાણના પરવાનાઓ અને દારૂ પીવાના પરવાનાઓ આપવામાં આવે છે. જેની યુવાનો પર ખોટી અસર થાય છે. ત્યારે સરકાર દ્વારા મળતાં લીકર લાયસન્સ બંધ કરવા જોઈએ. નહીં તો મહીલા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ પ્રસંગે આણંદ નગરપાલિકા વિપક્ષના ઉપનેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ પઢિયાર સહિત કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે.
આણંદમાં દારૂબંધીના કડક અમલ માટે મહિલા કોંગ્રેસની રેલી : કલેક્ટરને આવેદન

Recent Comments