(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨
આણંદનાં વલ્લભ વિદ્યાનગરની અરુણોદય સોસાયટીમાં રહેતા અને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં મજૂરી કરતા યુવાનની તેની પુર્વ પત્ની અને તેણીના પતિએ ફેસબુક પર ફોટા મુકવા બાબતની રીષ રાખી રવિવારે હત્યા કરવાના ગુનામાં પોલીસે સોમવારે પતિ-પત્નીની ધરપકડ કરી પોલીસે આજે જે જે સ્થળે યુવાનને લઈ જઈને માર મારી હત્યા કરાઈ હતી તે સ્થળે આરોપીને લઈ જઈને સમગ્ર ઘટનાનું રીકન્ટ્રકશન કરવામાં આવ્યું હતું.
મળતી વિગતો અનુસાર વલ્લભ વિદ્યાનગરની અરુણોદય સોસાયટીમાં રહેતા અને છેલ્લા દોઢ વર્ષથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જુદા જુદા સ્થળે મજુરી કરતા લાલો વસાવા નામના યુવકે આજથી દોઢ વર્ષ પુર્વે આણંદ શહેરમાં રાજેશ્રી ઝુંપડપટ્ટીમાં રહેતી દક્ષા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ આઠ નવ મહિના સાથે લગ્ન જીવન ગુજાર્યા બાદ દક્ષાએ લાલાને પોતાની સાથે રહેવાની ના પાડી દીધી હતી. અને દક્ષાએ ત્યારબાદ આણંદની મહાવીર ઝુંપડપટ્ટીમાં રહેતા ખોડાભાઈ ઉર્ફે પીકે સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસ પર લાલા વસાવાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોતાની પુર્વ પત્ની દક્ષાના ફોટા અપલોડ કર્યા હતા. જે દક્ષાના હાલના પતિ ખોડાભાઈ ઉર્ફે પીકેને ગમ્યું ન હતું અને જેને લઈને આ બાબતે ઝઘડો ચાલતો હતો. દરમિયાન ગત શનિવારે દક્ષાએ ફોન કરી લાલા વસાવાને મળવા બોલાવ્યો હતો અને ખોડાભાઈ ઉર્ફે પીકે ફેસબુક પરથી દક્ષાના ફોટા હટાવી લેવાનું કહી લાલાને મૂઢ માર માર્યો હતો અને બેફામ માર મારી લાલા વસાવાની હત્યા કરી લાશને ગોયા તળાવ પર ફેંકી દીધી હતી. આ બનાવ અંગે પોલીસે મૃતકના ભાઈ રવિ વસાવાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી હત્યારા ખોડાભાઈ ઉર્ફે પીકે અને દક્ષાબેનની ધરપકડ કરી વધુ આજે આરોપી ખોડાભાઈ ઉર્ફે પી કે ને આણંદ રેલ્વે સ્ટેશન,મહાવીર ઝુપડપટ્ટી, તેમજ ગોયા તળાવ પાસે લઈ જઈને લાલા વસાવાની કઈ રીતે માર મારી હત્યા કરવામાં આવી હતી તે સમગ્ર ઘટનાનું રિકન્ટ્રકશન કર્યું હતું.