(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૩૦
આણંદ શહેર સહિત જિલ્લા ભરમાં આજે સાર્વત્રીક વરસાદ થયો છે, જેમાં આણંદ શહેરમાં માત્ર બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ ખાબકતા ગરબા ગ્રાઉન્ડો પર પાણી ભરાઈ ગયા હતા અને કાદવ કિચડ થતા આજે ગરબા બંધ રાખવાની ફરજ પડી છે, અને જેને લઈને ખેલૈયાઓની મજા બગડી છે, જયારે વરસાદનાં કારણે આણંદ અને બોરસદમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
શહેરમાં ગોપીસિનેમા પાસે, લક્ષ્મી ચારરસ્તા પાસે, વલ્લભવિદ્યાનગર રોડ પર, પાયોનીયર હાઈસ્કુલ પાસે, ઈન્દીરા સ્ટેચ્યુ પાસે સહિત શહેરનાં વિવિધ નિચાણવાળા માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જ્યારે ગરબા ગ્રાઉન્ડો પર પણ પાણી ભરાઈ જતા ગરબાનાં આયોજકો ચિંતામાં મુકાયા હતા, ગરબા ગ્રાઉન્ડ પર કાદવ કિચડ થઈ જતા ગરબા આયોજકો દ્વારા આજે ગરબા બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, જેને લઈને આણંદ શહેરમાં વરસાદે આજે ખેલૈયાઓની મજા બગાડી હતી.
આણંદ જિલ્લા પુર નિયંત્રણ કક્ષનાં અહેવાલ અનુસાર આજે સવારે સાત વાગ્યાથી લઈને સાંજનાં ૬ વાગ્યા સુધીમાં બોરસદમાં ૭૩ મીમી, આણંદ ૭૦ મીમી, પેટલાદ ૭૨ મીમી, ખંભાત ૪૪ મીમી, સોજીત્રા ૪૦ મીમી, તારાપુરમાં ૨૫ મીમી, આંકલાવમાં ૨૨ મીમી, ઉમરેઠમાં ૧૮ મીમી વરસાદ નોંધાયો છે.
આણંદમાં પોણા બે ઈંચ વરસાદ ખાબકતા ગરબાઓ બંધ રખાયા

Recent Comments