(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૯
કોરોનાં સંક્રમણને રોકવા માટે અપાયેલા ત્રણ તબક્કનાં કડક લોકડાઉન બાદ ચોથા તબક્કાનાં લોકડાઉનમાં વેપાર ધંધા માટે સવારનાં ૮થી સાંજનાં ૪ વાગ્યા દરમિયાન છુટછાટ મળતા આણંદ શહેર સહિત જિલ્લાભરનાં તાલુકા મથકો મંગળવારે ૫૬ દિવસ બાદ વેપાર ધંધા ધમધમતા થતા જનજીવન ચેતનવંતુ બન્યું હતું.જયારે ખંભાત શહેરમાં ત્રણ વોર્ડમાં કન્ટેઈમેન્ટ ઝોન હોઈ કોઈ છુટછાટ આપવામાં આવી નથી.
આણંદ શહેર સહિત જિલ્લા ભરમાં છેલ્લા ૫૬ દિવસનાં લોકડાઉન બાદ ચોથા તબક્કાનાં લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવતા આણંદ શહેર સહીત બોરસદ, પેટલાદ, ઉમરેઠ, આંકલાવ, સોજીત્રા તારાપુર સહીતનાં તાલુકા મથકોનાં બજારો આજે સવારે ૮ વાગ્યાથી ખુલી ગયા હતા, અને જેનાં કારણે શહેરમાં જનજીવન ધબકતું થયું હોય તેમ લાગતું હતું, સરદાર ગંજ, સુપર માર્કેટ, સ્ટેશન રોડ વિસ્તારમાં દુકાનો ખુલી જતા લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા અને જેને લઈને કેટલીક જગ્યાએ સોસ્યલ ડીસ્ટન્સનો ભંગ થતો પણ દેખાતો હતો.
ખંભાત શહેરના વોર્ડ નં. ૫, ૭ અને ૮ વિસ્તારમાં કોરોના સંક્રમણ હોવાથી કન્ટેઈમેન્ટ ઝોનમાં ચાલુ રખાયા છે. જ્યારે શહેરના અન્ય વિસ્તારોને મુક્તી આપવામાં આવી છે.