(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૫
આણંદ શહેરમાં મંગળપુરા વિસ્તારમાં આવેલ અતિથિ એપાર્ટમેન્ટમાં બોગસ માર્કશીટ અને શૈક્ષણિક પ્રમાણપત્રો બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે આણંદની એસઓજી પોલીસે છાપો મારી એક શખ્સને રંગેહાથ ઝડપી પાડી તેની પાસેથી જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના અસલ સર્ટીફિકેટ નંગ ૧૬, બનાવટી સર્ટીફિકેટ નંગ ૧૦૬ તથા બે મોબાઈલ ફોન, ૨૨.૫૦ લાખ રૂપિયા રોકડ મળી કુલ ૨૩,૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલ અતિથિ એપાર્ટમેન્ટમાં મકાન નં. ૧૦૨માં રહેતો કનુભાઈ રાજાભાઈ રબારી ખોડલ કન્સલટન્સી દ્વારા વિદેશ જવા ઈચ્છતા લોકોને બનાવટી માર્કશીટ અને દસ્તાવેજો બનાવી આપી વિદેશના વીઝા અપાવી વિદેશ મોકલી આપે છે. જે બાતમીના આધારે એસઓજી પીઆઈ જી.એન.પરમાર સહિતના સ્ટાફે અતિથિ એપાર્ટમેન્ટમાં છાપો મારી કનુભાઈ રાજાભાઈ રબારી મુળ રહે. ઓડ રબારીવાસને ઝડપી પાડી મકાનમાંથી અલગ અલગ ગ્રાહકોના સર્ટીફિકેટો તેમજ દસ્તાવેજી કાગળો ઝડપી પાડી તેની તપાસ કરતા તેમાંથી ધો. ૧૨ તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીની જુદા જુદા અભ્યાસક્રમની માર્કશીટો અને પ્રમાણપત્રો મળી આવ્યા હતા. જેની તપાસ કરતા તેમાં ૧૬ સર્ટીફિકેટ અસલી હોવાનું તેમજ ૧૦૬ જેટલા સર્ટીફિકેટ અને માર્કશીટો બોગસ હોવાનું જણાયું હતું. તેમજ ૩૦ નંગ ભારતીય પાસપોર્ટ મળી આવ્યા હતા. પોલીસે બે મોબાઈલ ફોન, ૨૨.૫૦ લાખ રૂપિયા રોકડા કુલ ૨૩.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ કરતા કનુભાઈ રબારીએ વડોદરાના આદિત્ય ચંદ્રવદન પટેલના સંપર્કથી હીરેન ઉર્ફે સોનુ ચંદ્રકાન્ત સાથમ દ્વારા બનાવટી માર્કશીટો અને પ્રમાણપત્રો બનાવડાવ્યા હતા અને તે વિદેશ જવા માંગતી વ્યક્તિઓને સ્ટુન્ડન્ટ વીઝા પર વિદેશ મોકલી આપતો હતો. જેથી આ બનાવ અંગે એસઓજી પોલીસે આણંદ ટાઉન પોલીસ મથકે કનુભાઈ રાજાભાઈ રબારી રહે. રબારીવાસ, આદિત્ય ચંદ્રવદન પટેલ રહે. વડોદરા, હીરેન ઉર્ફે સોનુ ચંદ્રકાન્ત સાથમ રહે. વડોદરા શહેર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૪૭૪, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments