(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૫
માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા માજી સૈનિકોની અને શહીદ સૈનિકોની વિધવાઓને ૧૪ જેટલી પડતર માંગણીઓ અંગે આણંદ કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપી તેઓની પડતર માંગણીઓ અંગે સત્વરે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
દેશની સુરક્ષા કાજે દેશની સરહદો પર ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયેલા સૈનિકો અને શહીદ થયેલા સૈનિકોની વિધવાઓની ૧૪ મુદ્દાની માંગણીઓને લઈને માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના આણંદ જીલ્લા પ્રમુખ હીમુભાઈ ટી. વાઘેલા તેમજ નિવૃત્ત સૈનિકો દ્વારા આણંદ શહેરમાં કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં માજી સૈનિકોને રાજ્ય સરકારની સેવામાં પાંચ વર્ષ ફીક્સ પગાર પ્રથા નાબુદ કરવામાં આવે કારણ કે તેમનો નોકરીનો સમયગાળો અને ઉંમર વધુ હોવાથી ખુબ જ ઓછો રહે છે. અને ફીક્સ પગાર પ્રથાની નોકરીમાં જ સેવાકાળ પુર્ણ થઈ જતો હોય પરિવારનું જીવન નિર્વાહ કરવામાં નાણાંકીય સંકટ વેઠવું પડે છે. સરકારમાં વર્ગ ૧ થી વર્ગ ૪ સુધીની નિમણુંક વખતે માજી સૈનિકોને અપાતી અનામતનો અમલ કરવામાં આવે તેઓની અનામતમાં મેરીટને ધ્યાનમાં લીધા સિવાય ફક્ત માજી સૈનિકોને નિમણુંક આપવામાં આવે તેમજ માજી સૈનિકની અગાઉ સેનાની નોકરીનો સમયગાળો રાજ્ય સરકારના પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ આપવામાં આવે સહિત માંગ કરવામાં આવી હતી. તેમજ આ આવેદનપત્રની નકલ ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રદેશ અધ્યક્ષને પણ મોકલવામાં આવી હતી.