(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૮
આણંદ શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર અને કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી કેટલાક નિયંત્રણો જાહેર કરતા મીની લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. અને આણંદ શહેરમાં આજે પોલીસ દ્વારા તમામ દુકાનો અને લારી ગલ્લાઓ બંધ કરાવ્યા હતા. જેને લઈને દુકાનો બંધ કરીને વેપારીઓના ટોળા રોડ ઉપર જોવા મળ્યા હતા.
આજે સવારે આણંદ ટાઉન પોલીસ દ્વારા શહેરના જૂના બસ સ્ટેન્ડ, સુપર માર્કેટ, સ્ટેશન રોડ, આણંદ વિદ્યાનગર રોડ, સો ફુટ રોડ સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ કરાવી હતી તેમજ સરદાર ગંજમાં પણ એનાઉન્સમેન્ટ કરી અનાજ કરીયાણાની દુકાનો પર ખોટી રીતે ભીડ નહી કરવા અને પેનીક ખરીદી નહી કરવા અપીલ કરી હતી. તેમજ અનાજ કરીયાણા સિવાયની દુકાનો બંધ કરાવવામાં આવી હતી. શહેરમાં આજે માત્ર દવાની દુકાનો, અનાજ કરિયાણાની દુકાનો, શાકભાજીની દુકાનો અને ફળ ફળાદીની દુકાનો ખુલ્લી રહી હતી.
જોકે ગત રાત્રીના સુમારે જાહેરનામુ પ્રસિદ્ધ થયું હોય અનેક વેપારીઓ આ જાહેરનામાથી વાકેફ નહી હોય તેમજ કેટલાક લોકો સ્વૈચ્છિક લોકડાઉન સમજતા પોતાની દુકાનો ખોલી વેપાર ધંધા શરૂ કર્યા હતા. પરંતુ પોલીસે તમામ દુકાનો અને લારી ગલ્લા બંધ કરાવ્યા હતા. સવારે દસ વાગ્યા સુધી બજારમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી. પરંતુ પોલીસે તમામ દુકાનો અને લારી ગલ્લાઓ બંધ કરાવતા વેપારીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. જ્યારે કેટલાક વેપારીઓએ આ મીની લોકડાઉનને આવકાર્યું હતું.