(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૮
આણંદ શહેરમાં કોંગ્રેસમાંથી તાજેતરમાં રાજીનામું આપ્યું હોવાનું સોશિયલ મીડિયામાં જાહેર કરનાર અને ગુજરાત રાજ્ય હજ કમિટીના આણંદ જિલ્લાનાં ફિલ્ડ ટ્રેનર વઝીહુદ્દીન સૈયદએ ગઈકાલે પોતાના સોશિયલ મીડિયાના ફેસબુક એકાઉન્ટ પર આણંદના ધારાસભ્ય કાંતીભાઈ સોઢા પરમારની ભાજપની સદસ્યતા દર્શાવતો ફેક ફોટો પોષ્ટ કર્યો હતો અને ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાંતીભાઈ સોઢાએ મીસ કોલ કરીને ભાજપની સદસ્યતા મેળવી હોય તેવું જણાય છે તેમ લખાણ પોષ્ટ કર્યું હતું.
આ પોષ્ટ ધ્યાનમાં આવતા કાંતીભાઈ સોઢાએ પણ આ કાર્ડ ફેક હોવાનું જણાવ્યું હતું, તેમજ આણંદના શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયારએ પણ આ પોષ્ટ ફેસબુક પરથી હટાવવા માટે કોમેન્ટ કરી હતી. તેમ છતાં વઝીહુદ્દીન સૈયદએ આ પોષ્ટ દૂર નહીં કરતા અને આ પોષ્ટ વાયરલ થતા ઘારાસભ્ય કાંતીભાઈ સોઢાની પ્રતિષ્ઠાને નુકશાન થતા તેમજ તેઓને બદનામ કરવા માટે જ આ પોષ્ટ મૂકાઈ હોવાનું જણાતા કાંતીભાઈ ચાવડાના પુત્ર અને પી.એ. રણજીતસિંહ સોઢા પરમારએ આજે આણંદની સાયબર ક્રાઈમ બ્રાંચમાં ધારાસભ્ય કાંતીભાઈ સોઢા પરમારની ભાજપની સદસ્યતાવાળુ ફેક કાર્ડ સોશિયલ મીડિયામાં અપલોડ કરી બદનામ કરવાના હેતુ માટે આ કાર્ડ બનાવ્યું હોય તેમ જણાતા વઝીહુદ્દીન સૈયદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.