(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૨
આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે સવારે ૧૧ કલાકે સંઘના કાર્યાલય ખાતે ચૂંટણી યોજાતા જેમાં ચેરમેન પદે ભારતીબેન પટેલ અને વાઈસ ચેરમેન પદે પુનમ માધાભાઈ પરમાર અને મંત્રી પદે મયંક પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
ચેરમેન પદ માટે ભારતીબેન ચંદ્રકાંતભાઈ પટેલના નામની દરખાસ્ત નટવરસિંહ અને ટેકો પ્રવિણભાઈએ આપ્યો હતો. જ્યારે વાઈસ ચેરમેન પદ માટે પુનમભાઈ માધાભાઈ પરમારના નામની દરખાસ્ત નટવરસિંહ સરદારસિંહ મહીડાએ મૂકી હતી જેને ટેકો મનુભાઈ પુનમભાઈ પઢિયારે આપ્યો હતો. જ્યારે મંત્રી પદે મયંકભાઈ પટેલના નામની દરખાસ્ત ભારતીબેન ચંદ્રકાંત પટેલે મૂકી હતી અને ટેકો કિરણભાઈ પટેલે આપ્યો હતો. ઉમેદવારની દરખાસ્ત રજૂ કરવાના સમય દરમિયાન અન્ય કોઈ ઉમેદવારી પત્રો રજૂ નહીં થતાં પ્રાંત અધિકારી જીજ્ઞાબેન દલાલે ચૂંટણી અધિકારી તરીકે આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન પદે ભારતીબેન ચંદ્રકાંત પટેલ, વાઈસ ચેરમેન પદે પુનમ માધાભાઈ પરમાર અને મંત્રી પદે મયંક પટેલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા.
જિલ્લા સહકારી સંઘમાં સત્તા હાંસલ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા એડીચોટીનું જોર લગાડવામાં આવ્યું હતું.